અમરેલી

અમરેલીમાં તા. ૧૬ ઓક્ટોબરે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે

જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના આશયથી ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી તથા આઈ.ટી.આઈ, અમરેલીના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી એક વિશેષ સ્વરોજગાર શિબિર અને રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ ભરતીમેળો આગામી તા. ૧૬/૧૦/૨૦૨૬ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અમરેલી ખાતે યોજાશે. આ મેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો), આધાર કાર્ડ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સમયસર હાજર રહેવા જણાવાયું છે.

આ રોજગાર ભરતીમેળામાં પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા વિવિધ પદો પર સ્ત્રી અને પુરુષ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેમાં એલ.આઈ.સી. (LIC) ઓફ ઈન્ડિયા દ્વારા કેરિયર એજન્ટની જગ્યા માટે ૧૦ પાસ, ૧૨ પાસ કે ગ્રેજ્યુએટ થયેલા ૧૮ થી ૩૦ વર્ષના ઉમેદવારોની પસંદગી કરાશે, જેમને નિયમોનુસાર કમિશન આધારિત ચૂકવણું મળશે. જ્યારે એચ.ડી.એફ.સી. (HDFC) લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા ડેવલપમેન્ટ મેનેજર, કન્સલ્ટન્ટ અને એડવાઈઝરની જગ્યાઓ માટે ૧૨ પાસ કે ગ્રેજ્યુએટ થયેલા ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે, જેમાં વેતન કંપનીના નિયમો મુજબ રહેશે.

આ ઉપરાંત, વિઠ્ઠલાપુર (જિ. અમદાવાદ) સ્થિત ટોયોટા એન્ડ એન.ટી.ટી.એફ. (TOYOTA & NTTF) કંપનીમાં ટ્રેઈનીની જગ્યા માટે ૧૦ પાસ, ૧૨ પાસ, ITI કે ડિપ્લોમાની લાયકાત ધરાવતા ૧૮ થી ૨૫ વર્ષના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં માસિક રૂ. ૧૩,૦૩૯ સ્ટાઈપેન્ડ અને રૂ. ૬૦૦ બોનસ મળવાપાત્ર રહેશે.

અત્રે નોંધનીય છે, કે આ ભરતીમેળામાં નોકરીદાતા તરફથી દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જગ્યાઓ નોંધાયેલ નથી. આ ભરતીમેળા અંગેની વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ફોન નંબર ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો તેમ રોજગાર અધિકારી (સા.), અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts