અમરેલી

જ્ઞાતિ અને પાર્ટી પ્લોટ ગરબાના યુગમાં વિલુપ્ત થતી શેરી ગરબીની પ્રાચીન પરંપરા: ચિંતાનો વિષય

ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાના પ્રતીક સમાન નવરાત્રી પર્વમાં આજે એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે ગલીઓ, મહોલ્લાઓ અને સોસાયટીના ચોકમાં માતાજીની સ્તુતિ અને પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલતી હતી, પરંતુ આજે જ્ઞાતિ મંડળો અને પાર્ટી પ્લોટ આયોજિત ગરબાના યુગમાં આપણી પૌરાણિક ‘શેરી ગરબી’ વિલુપ્ત થવાના આરે પહોંચી છે.

​ત્રણ દાયકા પૂર્વેનો એ સુવર્ણ યુગ અને સ્થાનિક ભક્તિભાવ

​આજથી ત્રીસેક વર્ષ પૂર્વે દરેક શહેરો, સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં સ્થાનિક ગરબી યુવક મંડળો દ્વારા ઉત્સાહભેર આયોજન કરવામાં આવતું હતું. સ્થાનિક રહીશો ભેગા મળીને ચોકમાં માં અંબાની સ્થાપના કરતા. ધૂપ-દીપ, ધજા-પતાકા અને રોશનીથી આખી શેરી ઝગમગી ઉઠતી. તબલા, ઢોલક, મંજીરા, પખાજ જેવા પરંપરાગત વાદ્યોના તાલે યુવાનો પોતાના સ્વમુખે ગરબા અને સ્તુતિ ગાઈ માતાજીને રાજી કરતા. શેરીની બહેનો-માતાઓ ગરબીની ફરતે રાસ લઈને વાતાવરણને ભક્તિમય બનાવી દેતી.

​આજના સમયમાં ગલીઓ અને મહોલ્લા કેમ બન્યા સૂમસામ?

​આજે મોટાભાગના શહેરો અને વિસ્તારોમાં શેરી ગરબીઓ જવલ્લે જ જોવા મળે છે. ગલીઓ અને મહોલ્લાઓ સૂના ભાસી  રહ્યા છે. *તેનું મુખ્ય કારણ લોકોનો જ્ઞાતિ મંડળો, ક્લબ અને પાર્ટી પ્લોટ તરફ વધી રહેલો ક્રેઝ છે. મોટા આયોજનો અને અજાણ્યા વાતાવરણ વચ્ચે ગરબા રમવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેના કારણે પોતાના જ આંગણે ઉજવાતો આ ભક્તિઉત્સવ હવે માત્ર એક કહાની કે વાર્તા બનતો જાય છે.*

​આવા આધુનિક અને વ્યાપારીકરણના યુગમાં પણ સાવરકુંડલા શહેરની નાગનાથ સોસાયટી, આસોપાલવ સોસાયટી અને ખોડીયાર બાળ મંડળ જેવા અમુક ગરબી મંડળો દ્વારા આજે પણ પ્રાચીન પરંપરા જીવંત રાખવામાં આવી છે. આ સોસાયટીઓ દ્વારા સ્થાનિક ધોરણે યોજાતા ગરબા મહોત્સવ અને માતાજીની ભક્તિનો આ પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક અને અભિનંદનને પાત્ર છે.

​હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, ઝગમગાટ અને વ્યાપારી ધોરણે આયોજિત મોટા ગરબા મહોત્સવ વચ્ચે શેરી ગરબાનું લુપ્ત થવું એ ભારતીય લોકસંસ્કૃતિ માટે ચિંતાનો વિષય છે. અજાણ્યા લોકો અને કૃત્રિમ વાતાવરણ વચ્ચે ઉજવાતો આ નવો ટ્રેન્ડ શું આપણી સાચી ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક ભક્તિ પરંપરાને ખરેખર પોષણ આપે છે? તે એક મોટો વિચારણીય પ્રશ્ન છે. આપણી ભક્તિ અને એકતાના પ્રતીક સમાન શેરી ગરબીઓની આ વિરાસત સચવાય તે માટે સમાજે ફરી એકવાર પોતાની જમીન અને મૂળ પરંપરા તરફ વળવું જરૂરી બન્યું છે.

Related Posts