અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ સંઘેડિયા બઝારમાં જાગૃત યુવક મંડળ દ્વારા ભવ્ય ‘બટુક ભોજન’નું આયોજન

​નાના આ માનવી ને મોટી છે આસ્થા,

સેવા કાજે જુઓ કેવા શોધે છે રસ્તા!

​શ્રદ્ધા તણી સુવાસ પ્રસરે છે ચોતરે,

હનુમાનના ભક્તોના દિલમાં છે વસતાં 

–“પાંધી સર”

શહેરના હાર્દ સમાન સંઘેડિયા બઝારમાં બિરાજમાન જાગૃત હનુમાનજીના સાનિધ્યમાં રામનવમીના પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અહીં કાર્યરત ‘જાગૃત યુવક મંડળ’ દ્વારા શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં આશરે ૪૦૦ જેટલા રામભક્તો માટે બટુક ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોને શિખંડ-પૂરીના મિષ્ટ ભોજન સાથે ભાવપૂર્વક પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.આ મંડળની વિશેષતા એ છે કે સેવાયજ્ઞમાં તમામ સભ્યો ખૂબ ભાવ અને હોંશ સાથે જાતે સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.. વાસણ સાફ કરવા પીરસવું તેમજ રસોઈ બનાવવા જેવી પ્રવૃત્તિઓ પણ શક્ય હોય ત્યાં સુધી જાત મહેનત ઝીંદાબાદ એ ન્યાયે સૌ પોતા પોતાની યોગ્યતા મુજબ સેવાકાર્યમાં સંમિલિત થાય છે. ભોજન બાદ મંડળ તરફથી તમામ ભક્તોને એક આકર્ષક ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી, જેનાથી ભક્તોમાં આનંદની લહેર જોવા મળી હતી.

આ મંડળની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં જોડાયેલા નાના વેપારીઓ અને હનુમાનજીના પરમ ભક્તો પોતાની કમાણીમાંથી નાની-નાની બચત એકઠી કરીને આવા ભગીરથ કાર્યો કરે છે. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિની ભૂખ વગર આ મંડળ છેલ્લા ૪૦ વર્ષથી સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. જેમાં રામનવમીની શોભાયાત્રામાં શરબત સેવા અને સત્યનારાયણ ભગવાનની કથા જેવા ધાર્મિક કાર્યોનો સમાવેશ થાય છે.

સંઘેડિયા બઝારમાં જાગૃત હનુમાનજી છેલ્લા ૧૦૦થી ૧૨૫ વર્ષ (ચાર પેઢી) થી બિરાજમાન છે. મંડળના સભ્યો જ સ્વયં અહીં સેવા-પૂજા અને આરતીની જવાબદારી સંભાળે છે. હનુમાનજી પરની અતૂટ શ્રદ્ધા અને દાદાની કૃપાથી જ આ તમામ સેવાકીય કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થતા હોવાનું મંડળના સભ્યોએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

​અને આજ સાવરકુંડલા શહેરની સાચી સમજણ અને ધાર્મિકતા છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.

Related Posts