ભાવનગર

નાની રાજસ્થળી ગામની વોલીબોલમાં ગૌરવગાથા

ભાવનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ ગુંજાવશે ગામના આઠ પ્રતિભાશાળી ખેલાડીઓ

પાલિતાણા, ભાવનગર: પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે રમતગમત ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SGFI અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં નાની રાજસ્થળીની કે.વ. શાળાના U-14 બોયઝ ટીમે શાનદાર પ્રદર્શન કરીને જિલ્લા રનર્સઅપનું સ્થાન મેળવ્યું છે.

આ સફળતાની સાથે શાળાના પાંચ વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શાળા, વાલીઓ તેમજ સમગ્ર નાની રાજસ્થળી ગામમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત નાની રાજસ્થળીની એસ.જી. જીવાણી વિદ્યાલયના U-17 બોયઝ ખેલાડીઓએ પણ SGFI જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી જિલ્લા રનર્સઅપનો ખિતાબ મેળવ્યો છે. આ શાળાના ત્રણ વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા માટે પસંદગી થઈ છે.

ગામના આઠ ખેલાડીઓ કરશે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ

બંને શાળાઓના કુલ આઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હવે આગામી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. નાની રાજસ્થળી જેવા ગ્રામ્ય વિસ્તારના આ ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સફળતા મેળવીને રાજ્ય કક્ષા સુધીની સફર ખેડી છે.

આ સિદ્ધિ માત્ર બે શાળાઓની જ નહીં, પરંતુ સમગ્ર નાની રાજસ્થળી ગામ માટે ગૌરવની ગાથા સમાન છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ઉભરી રહેલી આ રમતગમત પ્રતિભાઓએ સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને ખેલદિલી હોય તો ગામડાંના ખેલાડીઓ પણ રાજ્ય કક્ષાએ પોતાની ઓળખ બનાવી શકે છે.

આઠેય ખેલાડીઓ રાજ્ય કક્ષાએ વધુ સારું પ્રદર્શન કરી ભાવનગર જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર ગામ અને શાળા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Related Posts