અમરેલી

સાવરકુંડલામાં અમરેલી જિલ્લાના પ્રથમ ‘પુસ્તક પરબ’નો શુભારંભ

સાવરકુંડલા શહેર ખાતે સાહિત્ય અને વાચન સંસ્કૃતિને વેગ આપવા માટે એક વિશિષ્ટ અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. આજરોજ ‘માતૃભાષા અભિયાન’ અને *‘પસ્તી બન્યું પુસ્તક ફાઉન્ડેશન’* ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા ખાતે ‘પુસ્તક પરબ’ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં નિઃશુલ્ક પુસ્તકોની આપ-લે કરતું આ સૌ પ્રથમ ‘પુસ્તક પરબ’ છે.

​આ પુસ્તક પરબની વિશેષતા એ છે કે અહીંથી કોઈપણ પુસ્તકપ્રેમી પોતાની મનપસંદગીના બે પુસ્તકો વિનામૂલ્યે વાંચવા માટે લઈ જઈ શકે છે અને વાંચીને પરત કરી શકે છે. પ્રથમ દિવસે જ સાવરકુંડલાના અનેક વાચકોએ ઉત્સાહભેર આ પરબની મુલાકાત લીધી હતી. વાચકોએ માત્ર પુસ્તકો લીધા જ નહીં, પરંતુ અન્ય વાચકોના ઉપયોગ માટે પોતાના ઘરના પુસ્તકો આ પરબને ભેટ પણ આપ્યા હતા.

​આ શુભ પ્રસંગે આપડું કુંડલા પત્રકાર  ‘પાંધીસર ડિજિટલ ન્યૂઝ’ના બિપીનભાઈ પાંધી, પીઠવડી હાઈસ્કૂલના અંગ્રેજી શિક્ષક પાર્થભાઈ દવે, સિદ્ધાર્થભાઈ વાસ્તાની, મોહિતભાઈ પરમાર, સાગરભાઈ મશરૂ, સુજયભાઈ ખીમાણી, પ્રતિકભાઈ વ્યાસ તેમજ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વી પાંધી સહિતના અનેક પુસ્તક પ્રેમીઓએ હાજરી આપીને પુસ્તકો મેળવ્યા હતા તેમજ ભેટ આપ્યા હતા.

​પ્રથમ દિવસે જ પુસ્તક પરબ ખાતેથી ૧૮ પુસ્તકો વાચકો વાંચવા માટે લઈ ગયા (જાવક) હતા, જ્યારે ૩૪ નવા પુસ્તકો દાન સ્વરૂપે પરબને મળ્યા (આવક) હતા, જે નગરજનોના વાચન પ્રેમ અને આ અભિયાન પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે.

*​દર મહિનાના પહેલા રવિવારે યોજાશે* તેમ  ‘પુસ્તક પરબ’

​આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પુસ્તક પરબ દર મહિનાના પ્રથમ રવિવારે યોજાશે. સમગ્ર સાવરકુંડલાની જનતાને આ પરબની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, *જો કોઈ નાગરિક છાપાની પસ્તી, જૂના ચોપડા કે પુસ્તકો દાનમાં આપવા માંગતા હોય તો તેઓ પણ સંપર્ક કરી શકે છે.*

​પુસ્તક પરબની ટીમના હરેશકુમાર એચ. સોડવડિયા (મો. 9427276302), ભીખીશભાઈ ભટ્ટ, નૈમિષભાઈ પંડ્યા અને આશિષભાઈ ત્રિવેદી દ્વારા તમામ મુલાકાતીઓ અને પુસ્તકપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts