આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસથી ભાવનગર શહેરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જવાહર મેદાનની બાજુમાં, રિલાયન્સ માર્ટ સામે આવેલ જોગર્સ પાર્ક-૨ ખાતે પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે.
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને શહેરમાં પોતાની પેદાશના વેચાણ માટે એક જગ્યા મળી રહે અને શહેરમાં રહેતા લોકો જે સ્વાસ્થ્ય જાળવવા અને નિરોગી રહેવા પ્રાકૃતિક ખોરાક લેવા ઇચ્છુક છે, તેવા લોકોને સરળતાથી ગામડામાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત પેદાશ મળી રહે તેવા અભિગમ સાથે દર રવિવારે અમૃત ખેડૂત બજારનું આયોજન કરવામાં આવ્યું છે.
અમૃત ખેડૂત બજારમાં દેશી ગાય આધારિત ખેતીથી ઉત્પાદિત શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, ફળો, ગોળ, હળદર સહિતની ખેતપેદાશોનું ખેડૂતો દ્વારા ગ્રાહકોને સીધું વેચાણ કરવામાં આવે છે. આ બજાર દર રવિવારે સવારે ૭:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન શહેરીજનો માટે ખુલ્લી રહેશે.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ હવે સમયની માંગ અને જરૂરિયાત પણ છે કારણ કે, આ પ્રકારની ખેતીમાંથી ઉત્પન્ન થતી ઉપજ લોકોના આરોગ્ય માટે ફાયદાકારક છે. પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે. ખેડૂતોને તેમની કુદરતી ઉપજ શહેર અને જિલ્લાના લોકો સુધી પહોંચવામાં મદદ કરવા માટે રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર એ એક પહેલ છે.
આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી જે. એન. પરમાર તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓએ અમૃત ખેડૂત બજારમાં આવતા ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મની મુલાકત લીધી હતી.
અમૃત ખેડૂત બજારમાં આવતા ખેડૂતો અને ગ્રાહક વચ્ચે વિશ્વાસ જળવાઈ રહે તેમજ ગ્રાહકોને સંપૂર્ણ દેશી ગાય આધારિત ખેતીથી ઉત્પાદિત ચીજવસ્તુઓ મળી રહે તે માટે તમામ વિક્રેતાઓને વ્યક્તિગત બેનર તેમજ આઇ કાર્ડ આપવામાં આવ્યા છે,જેમાં વિક્રેતાઓના પ્રાકૃતિક ફાર્મનું નામ તથા વ્યક્તિગત માહિતી આવરી લેવામાં આવી છે.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્કેટિંગ પ્લાન્નીંગ એન્ડ પ્રમોશન કન્સલટન્ટ શ્રી રાહુલ ઠાકોર તેમજ ગ્રામસેવક શ્રી રાજેશભાઈ શિયાળ ઉપસ્થિત રહ્યાં હતા.













Recent Comments