અમરેલી

સંરક્ષણ અને પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા સ્થાનિક યુવાનો માટે ૩૦ દિવસના નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગ-૨૦૨૬નું સુંદર આયોજન

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ અને પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા સ્થાનિક યુવાનો માટે ૩૦ દિવસના નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

 આ વર્ગ અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને લેખિત કસોટીની સંપૂર્ણ તાલીમ કોઈ પણ ચાર્જ વિના આપવામાં આવશે. આ ભરતીલક્ષી તાલીમમાં માત્ર અમરેલી જિલ્લાના ૧૭.૫ થી ૨૫ વર્ષની વય ધરાવતા, શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે, જેમની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ હોવી અનિવાર્ય છે. વધુમાં, જે યુવાનોએ અગ્નિવીરની લેખિત પરીક્ષા પાસ કરી હશે તેમને આ વર્ગમાં પ્રવેશ માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. આ તાલીમવર્ગમાં જોડાવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તેનું ફોર્મ જિલ્લા રોજગાર કચેરી, અમરેલી ખાતેથી રૂબરૂ અથવા તેમની સત્તાવાર ટેલીગ્રામ ચેનલ @empamreli પરથી વિનામૂલ્યે મેળવી લેવાનું રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલું આ અરજી ફોર્મ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસની અંદર જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, અમરેલી ખાતે ટપાલ દ્વારા અથવા રૂબરૂ જઈને જમા કરાવવાનું રહેશે. આ સુવર્ણ તક અંગે વધુ માહિતી કે કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે ઉમેદવારો કચેરીના સત્તાવાર ટેલિફોન નંબર 9512340549 પર સંપર્ક કરી શકે છે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts