રાષ્ટ્રીય

શિંદે અને પવારના નેતાઓ વચ્ચે વિવાદમાં ઝપાઝપી, વાહનોમાં તોડફોડ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં વિવાદ

મહારાષ્ટ્રમાં 246 નગર પરિષદ અને 42 નગર પંચાયત માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે એક મતદાન કેન્દ્ર પર એકનાથ શિંદે અને અજિત પવારના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્યમાં મહાયુતિ ગઠબંધન શિંદેની શિવસેના અને અજિતની એનસીપી સામેલ છે, જોકે રાયગઢ જિલ્લામાં બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે.વાસ્તવમાં રાયગઢ જિલ્લાના મહાડ મ્યુનિસિપલ કાઉન્સીલની ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન અહીં શિંદે જૂથના વિકાસ ગોગાવલે અને અજિત જૂથના સુશાંત જાબરેના સમર્થકો વચ્ચે જોરદાર મારામારી થઈ હોવાની માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ, સુશાંત જાબરે અને તેમના બોડિગાર્ડે ભરત ગોગાવલેના પુત્ર વિકાસના સમર્થકોની ધોલાઈ કરી છે.વિકાસ ગોગાવલેના સમર્થકોએ સુશાંત જાબરેના અનેક સમર્થકોના વાહનોમાં તોડફોડ કરી છે. મહાડમાં મારામારી અને તણાવનો માહોલ ઉભો થયા બાદ પોલીસની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.પ્રાથમિક માહિતી મુજબ, સુશાંત જાબરે ચૂંટણી પહેલા શિવસેના છોડીને NCPમાં જોડાઈ ગયા હતા. શિંદે-અજિત જૂથના સમર્થકો વચ્ચે મહાડના નવા નગર વિસ્તારમાં મારમારી થઈ છે. વાસ્તવમાં મહાડ મ્યુનિસિપલ કાઉન્સિલની આજે યોજાયેલી ચૂંટણીમાં અનેક ઠેકાણે ઈવીએમ ખોટવાઈ ગયા હતા. આ દરમિયાન બંને પાર્ટીના કાર્યકર્તાઓ કેટલાક મતદાન કેન્દ્રો પર એકઠા થયા હતા, જ્યાં બંને તરફથી બોલાચાલી થયા બાદ તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. ગોગાલેના સમર્થકોએ પથ્થમારો કરીને જાબરેના સમર્થકોના વાહનોના કાચ ફોડી નાખ્યા હતા. રિપોર્ટ મુજબ જાબરેના સમર્થકોએ કથિત રીતે ગોગાવલેને રિવોલ્વર બતાવી હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. ઘટના બાદ ગોગાવલે રિવોલ્વર લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Related Posts