અમરેલી

સાવરકુંડલામાં આકાશમાં વાદળિયું વાતાવરણ આકરી ગરમીથી રાહત, પણ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

​વાદળ થયા છે આજ તો 

પલટો ગજબ થયો,

ગરમી ઘટી ને લોકમાં 

શું હરખનો સબબ થયો? 

​પણ ચૈત્ર જો તપે નહીં તો 

ચિંતા છે ખેતી પાકની,

નબળો જશે વરસાદ, 

એવો ભય ગજબ થયો.

–“પાંધી સર”

​છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય અને દઝાડતી ગરમી વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળછાયું રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે લોકોને ઉનાળાના આકરા તાપમાંથી આંશિક રાહત મળી છે. જોકે, આ ઠંડક સામાન્ય જનતા માટે સુખદ હોઈ શકે છે, પરંતુ તે ભવિષ્યના સંકેત તરીકે ચિંતાજનક સાબિત થઈ રહી છે.

લોકવાયકા મુજબ ‘ચૈત્રી દનૈયા’ તપે તો જ ચોમાસું સારું રહે છે. આજે વાતાવરણમાં જોવા મળેલી આ ઠંડક અને વાદળછાયું આકાશ કમોસમી વરસાદની શક્યતા તો દર્શાવે જ છે, સાથે સાથે આગામી ચોમાસું નબળું રહેવાના એંધાણ પણ આપી રહ્યું છે. જો ચૈત્ર માસમાં પૂરતી ગરમી ન પડે, તો વરસાદના ગણિત બગડી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

​વૈશ્વિક પરિસ્થિતિ અને ભારત

એક તરફ જ્યારે વિશ્વના કેટલાક ભાગો યુદ્ધની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તેની આડઅસરો અર્થતંત્ર પર પડી રહી છે. આવી કટોકટીમાં જો ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ચોમાસું નબળું રહે, તો કૃષિ ઉત્પાદન પર તેની ગંભીર અસર પડી શકે છે. મોંઘવારી અને ખાદ્ય સુરક્ષાના પ્રશ્નો આગામી સમયમાં વધુ જટિલ બની શકે છે.

Related Posts