અમરેલી

શ્રી ધજડીપરા પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયાનો વિદાય સમારંભ અને જન્મદિન ઉજવાયો

શ્રી ધજડીપરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ભીખુભાઈ આજગિયા વયનિવૃત્ત થતાં ગત તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬, શુક્રવારના રોજ શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા એક ભાવસભર વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ હતી કે આ જ દિવસે આચાર્યશ્રીનો જન્મદિવસ પણ હોવાથી આ પ્રસંગ બેવડા આનંદ સાથે ઉજવાયો હતો.

​વિદાય સમારંભ દરમિયાન શાળા સ્ટાફ, એસ.એમ.સી. કમિટી તથા ગ્રામજનો દ્વારા નિવૃત્ત થતા આચાર્યશ્રી ભીખુભાઈ આજગિયાનું શ્રીફળ, સાલ ઓઢાડીને તથા સાદર સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના જન્મદિન નિમિત્તે આચાર્યશ્રીએ શાળાના તમામ બાળકોને પાવભાજી અને ગુલાબજાંબુનું ભોજન કરાવીને મોં મીઠું કરાવ્યું હતું, જેનાથી બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

​આ પ્રસંગે તાલુકા સંઘના પ્રમુખશ્રી ગુલઝરભાઈ, સી.આર.સી. વિપુલભાઈ દુધાત, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી મહેશભાઈ રાદડિયા, ગામના અગ્રણીશ્રી સુરેશભાઈ રંગાણી તથા ગુણવંતદાદા તેમજ ગ્રામજનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના નવા આચાર્યશ્રી જાગૃતીબેન રવૈયા તથા ચંદ્રેશભાઇએ પણ હાજરી આપીને વિદાય લેતા આચાર્યશ્રીને તેમની દીર્ઘાયુ અને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

​સમગ્ર કાર્યક્રમ ખૂબ જ લાગણીસભર અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો.

Related Posts