અમરેલી

ખેડૂતોએ જુવારના પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન અંગે વાવણી પહેલા અને વાવણી સમયે પગલા લેવા

 ખેડૂતોએ જુવારનો પાક લેતા પહેલા અગાઉના પાકના જડ, મૂળ અને થડ વગેરે અવશેષો વીણી લઈ તેનો નાશ કરવો અને ખેતર સ્વચ્છ બનાવવું. રોગમુક્ત અને રોગ પ્રતિકારક જાતો વાવવી. જુવારમાં સાંઠાની માખીનો ઉપદ્રવ ઘટાડવા માટે વાવણી લાયક વરસાદ થયા પછી વાવણી શક્ય બને તેમ વહેલી કરવી જોઈએ. ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા. નાઇટ્રોજન ખાતરનો ભલામણ પ્રમાણે ઉપયોગ કરવો અને પાકની ફેર બદલી કરવી. જીવાતોના કુદરતી દુશ્મનોનું અભયારણ્ય બનાવવાથી પણ જીવાતોના કુદરતી દુશ્મનોની વસ્તી વધે છે, આ માટે ૦.૨૦ હેક્ટર વિસ્તારમાં જુદી-જુદી વનસ્પતિઓ જેવી કે રજકો, કેશિયા, શેના, કપાસ, મકાઈ અને અન્ય ફૂલ આવતા છોડ વાવી શકાય.

આગિયાનો ઉપદ્રવ ઘટાડવા અન્ય વર્ગ (કઠોળ/ તેલીબિયાં)ના પાક સાથે ફેરબદલી કરવી અને કાતરાના ઉપદ્રવથી બચાવવા માટે પાકની ફરતે શણનું વાવેતર કરવાની ભલામણ છે. સાંઠાની માખીનો વધુ ઉપદ્રવ ધરાવતા વિસ્તારોમાં બીજનો દર વધુ (૧૦ થી ૧૨ કિ.ગ્રા. પ્રતિ હે.) પ્રમાણે રાખવો. જુવારમાં મધિયો રોગના નિયંત્રણ માટે બીજને ૫ ટકા મીઠાના દ્રાવણમાં અડધા કલાક માટે ડુબાડી રાખવા અને ઉપર તરવા લાગેલ રોગીષ્ટ દાણાને વીણી લઈ નાશ કરવો.

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત મેળવીને ૧ એકર જમીનમાં નાખવું. જુવારમાં કાજલ સડો રોગનો ઉપદ્રવ થતો હોય તેવા વિસ્તારોમાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં વાવણી કરવી અથવા જુવારની વાવણી વખતે ચાસમાં ૨૦ કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ૧ કિ.ગ્રા. ટ્રાઇકોડર્મા પાવડર મેળવી છંટકાવ કરવો અથવા જુવારની વાવણી વખતે ચાસમાં હેક્ટર દીઠ પ કિ. ગ્રા. પ્રમાણે થાયરમ આપવું. જીવાત નિયંત્રણ માટે બીજ માવજત તરીકે થાયોમેથોક્ઝામ ૩૦%એફ.એસ. ૩ ગ્રામ અથવા ૧૦ ગ્રામ ઈમીડાકલોપ્રીડ ૪૮% એફ.એસ પ્રતિ કિલો પ્રમાણે બધા જ બીજને દિવેલ સાથે મેળવ્યા બાદ પટ આપવો.

ખેતરમાં પૂંછડે ચાર ટપકાં વાળી લશ્કરી ઈયળ (ફોલ આર્મીવોર્મ) નો ઉપદ્રવ વધુ રહેતો હોય તો પાકની શરૂઆતની અવસ્થામાં ૨ થી ૩ અઠવાડિયા સુધી આ જીવાતથી પાકને રક્ષણ આપવા માટે એક કિલોગ્રામ બીજ દીઠ ૬ મીલી સાયએન્ટ્રાનિલીપ્રોલ ૧૯.૮ ટકા + થાયોમેથોક્ઝામ ૧૯.૮ ટકા એફ.એસ. દવાથી બીજ માવજત આપ્યા બાદ જ વાવણી કરવી જોઈએ.

જુવારનો અંગારિયો રોગના નિયંત્રણ માટે વાવતા પહેલા એક કિ.ગ્રા. બીજ દીઠ ૪ ગ્રામ પ્રમાણે બીજને ગંધકનો પટ આપવો, નુકશાન પામેલ કણસલા કાપી તેનો નાશ કરવો. બીજને ગંધક તથા થાયરમ (૩ થી ૪ ગ્રામ/કિલો બીજ)નો પટ આપવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts