અમરેલી

નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય રક્તદાન કેમ્પ: ૨૨૫ બોટલ લોહી એકત્રિત, ચૂંટાયેલા સભ્યોનું સન્માન કરાયું

લેઉવા પટેલ સમાજ સંચાલિત ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આજ રોજ સમગ્ર ગુજરાતમાં ૭૫થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાવરકુંડલા ખાતે ‘શ્રી ખોડલધામ સમિતિ – સાવરકુંડલા’ દ્વારા એક વિશાળ અને ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. આ કેમ્પમાં સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

​આ માનવ સેવાના ભગીરથ કાર્યની શરૂઆત પૂજ્ય લવજીબાપુ અને માનનીય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન સર્વસમાજના નાગરિકો અને યુવાનોએ ખૂબ જ હોંશભેર રક્તદાન કરી સાચા અર્થમાં આ અમૂલ્ય સેવાનો લાભ લીધો હતો. રક્તદાતાઓના અભૂતપૂર્વ ઉત્સાહને કારણે કેમ્પના અંતે કુલ ૨૨૫ બોટલ રક્ત એકત્રિત કરી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી.

​બ્લડ ડોનેશન કેમ્પની સાથે-સાથે લેઉવા પટેલ સમાજના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા તમામ ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.

​આ સમગ્ર કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ ખાસ હાજરી આપી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં:

​શ્રી ભરતભાઈ સુતરીયા (સાંસદ, અમરેલી)

​શ્રી મહેશભાઈ કસવાળા (ધારાસભ્ય, સાવરકુંડલા)

​શ્રી વસંતભાઈ મોવલીયા (ટ્રસ્ટી, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ)

​શ્રી બાવકુભાઈ ઉંધાડ (અગ્રણી નેતા)

​શ્રી રમેશભાઈ કાથરોટીયા

​શ્રી સુરેશભાઈ દેસાઈ સહિતના સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

​આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખોડલધામના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ માંગરોળીયા (હાલ ભોપાલ) અને શ્રી દેવચંદભાઈ કપોપરાએ સતત માર્ગદર્શન અને અમૂલ્ય યોગદાન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સાવરકુંડલા ખોડલધામની તમામ ટીમોએ દિવસ-રાત જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે ‘ભોજલરામ વાડી’ની ટીમે પણ કાર્યક્રમની વ્યવસ્થામાં ખૂબ જ પ્રશંસનીય સાથ-સહકાર આપ્યો હતો. સમગ્ર આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી રહ્યું હતું.

Related Posts