જેસર રોડ પર આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે ‘ઉત્સવ આવકારનો’ અંતર્ગત અનેરો શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે બાલ વિભાગમાં નવું નામાંકન મેળવતા નાના-નાના ભૂલકાઓને ભારતીય પ્રાચીન પરંપરા મુજબ ખૂબ જ ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા.
સમગ્ર શાળા પરિસરમાં એક સુંદર પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાંથી બાળકોએ ઉત્સાહપૂર્વક પ્રવેશ કર્યો હતો. ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીઓએ તમામ નવા બાળકોને કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા. શિક્ષણના પ્રથમ ચરણમાં પગ માંડતા આ બાળકોએ શાસ્ત્રોક્ત વિધિથી બુક અને પેનનું પૂજન કર્યું હતું. ત્યારબાદ પોતાના વરદ હસ્તે કાગળ પર ‘શ્રી’ અને ‘સ્વસ્તિક’ જેવા પવિત્ર ચિહ્નોનું આલેખન કરીને અભ્યાસની કેડીએ પાપા પગલી પાડી હતી. શાળાની ધોરણ ૮ અને ૯ ની બાળાઓએ આ પ્રસંગે એક સુંદર સ્વાગત નૃત્ય રજૂ કરીને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીએ ઉપસ્થિત રહીને દરેક બાળકને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને જીવનમાં પ્રગતિ કરવાના રૂડા આશીર્વાદ આપ્યા હતા. તેમની સાથે કેમ્પસ ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબે પણ પ્રાસંગિક પ્રવચન દ્વારા બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ગુરુકુળના વડીલ સંતોએ પણ આ આયોજન બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે, હાલ વિદેશની ધરતી પર રહેલા સંસ્થાના પ્રમુખ પૂજ્ય હરિપ્રસાદદાસજી સ્વામીએ ડિજિટલ અને મીડિયાના માધ્યમથી આ સમગ્ર મહોત્સવ લાઈવ નિહાળ્યો હતો. તેમણે ત્યાંથી જ ઓનલાઈન આશીર્વાદ પાઠવીને સંસ્થાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.
નવા પ્રવેશ મેળવતા બાળકો ઉપરાંત, સંસ્થા દ્વારા ધોરણ ૫ થી ૧૦ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પાંચ-પાંચ બુકો (નોટબુક) ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત રહ્યો હતો અને પોતાના સંતાનોના આ શૈક્ષણિક પ્રારંભને ઉત્સાહભેર વધાવી લીધો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી કૌશિકભાઈ તેમજ તમામ ગુરૂજનો અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
















Recent Comments