અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછા હવે કેટલાક યુવાનોને ભારે પડી રહી છે. ગીરના સિંહો સાથે ગેરકાયદેસર રીતે નજીક જઈ તેમની પજવણી કરતા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનારાઓ સામે વનવિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ધારી ગીર પૂર્વ વિભાગ હેઠળ તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડ વિસ્તારમાં સિંહ પજવણીનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
વનવિભાગની તપાસ દરમિયાન ‘Gir_no.bhomiyo’ અને ‘gir_no_sanjay 189’ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર સિંહ પજવણીના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સંજય મોરડિયા નામના શખ્સે અન્ય એક આઈડી મારફતે વીડિયો અપલોડ કરી વાયરલ કર્યો હોવાની કબૂલાત આપી હતી. વધુ પૂછપરછ દરમિયાન તેણે સિંહ પજવણી સંબંધિત ચાર અલગ-અલગ બનાવોમાં સંડોવણી સ્વીકારી હોવાનું વનવિભાગે જણાવ્યું છે.
આ ઉપરાંત અન્ય આરોપી અજય ચાવડાએ પણ ફોટા અને વીડિયો બનાવવાની તથા સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો, સિંહોની પજવણી કરવી તેમજ આવા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવું ગંભીર ગુનો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી વન્યપ્રાણીઓના સ્વભાવ અને સુરક્ષા પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
મહત્વનું છે કે વનવિભાગે સોશિયલ મીડિયામાં આવા વીડિયો અપલોડ કરનારા અન્ય ચાર વ્યક્તિઓને પણ નોટિસ ફટકારી છે. ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે ગીરના સિંહોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયામાં વન્યપ્રાણીઓ સાથે સ્ટન્ટ કે પજવણીના વીડિયો બનાવતા લોકો માટે સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે પ્રસિદ્ધિ મેળવવા માટે કાયદાનો ભંગ કરનારાઓને હવે કડક પરિણામો ભોગવવા પડશે.
















Recent Comments