ગુજરાત

ગુજરાતનું ફ્લડ કંટ્રોલ સેલ : ટૅકનોલોજીના ટેકે નાગરિક-સુરક્ષા અને જળ-વ્યવસ્થાપનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

આબોહવા પરિવર્તન વધી રહ્યું છે. ટૂંક સમયમાં જ ભારેથી અતિભારે વરસાદની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ટૅકનોલોજીની મદદથી આપત્તિ વ્યવસ્થાપન એ પ્રાથમિકતા બન્યું છે. ગુજરાતમાં, જળ સંપત્તિ વિભાગ હેઠળ ગાંધીનગર કાર્યરત ફ્લડ કન્ટ્રોલ સેલ આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સેલ દર્શાવે છે કે કેવી રીતે એન્જિનિયરિંગમાં નવીનતા, ડિજિટલ ગવર્નન્સ અને રિયલ-ટાઇમ સંકલન દ્વારા પૂરની તૈયારીઓ અને જળ સંસાધન વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે.

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને જળાશયોમાં પાણીની આવક-જાવક પર સુચારુ દેખરેખ રાખવા માટે જળ સંપત્તિ વિભાગ હસ્તકનું મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર સજ્જ થયું છે. ચોમાસા પૂર્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટેલિફોન ડિરેક્ટરી અદ્યતન કરી Reservoir Data Management System https://wrd-dam.gujarat.gov.in/index.php પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ૧ જૂનથી ૩૧ ઓક્ટોબર સુધી મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર સહિત રાજ્યના ૧૨ પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો ૨૪x૭ કાર્યરત રહે છે.

૧૨ પ્રાદેશિક એકમો અને ૨૦૭ જળાશયોનું સતત મોનિટરિંગ

રાજ્યમાં ઉકાઈ, સુરત, દમણગંગા, વડોદરા, નડિયાદ, ગોધરા, અમદાવાદ, હિંમતનગર, વિસનગર, ભાવનગર, રાજકોટ અને ભુજ ખાતે ૧૨ પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો કાર્યરત કરવામાં આવ્યા છે.

આ એકમ દ્વારા સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયો જેમાં ૧૮ મોટા, ૮૬ મધ્યમ અને ૧૦૩ નાના જળાશયોના જળસ્તર-લેવલ તેમજ પાણીની આવક અને જાવકનું રિઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે. મોટા ડેમોની દર કલાકે અદ્યતન માહિતી મેળવવામાં આવે છે. આ ઉપરાંત, દરરોજ સવારે ૮:૦૦ કલાકે અને બપોરે ૪:૦૦ કલાકે તમામ વિગતો મેળવીને સંયુક્ત અહેવાલ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગોને મોકલવામાં આવે છે.

સુદ્રઢ કોમ્યુનિકેશન માળખું

સંચાર વ્યવસ્થા અને સેન્ટ્રલ વોટર કમિશન-CWC ફોરકાસ્ટ કોમ્યુનિકેશન સુદ્રઢ બનાવવા માટે રાજ્યના પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો સાથે ૧૨ હોટલાઈન કનેક્શન જોડવામાં આવ્યા છે. ઉપરાંત ૧૪ મુખ્ય જળાશયો ખાતે સેટેલાઈટ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ડેમ સાઇટ અને પ્રાદેશિક એકમો પર ૪૧૩ વાયરલેસ સેટ જેમાં ૩૦૪ રાજ્ય સરકાર + ૧૦૯ CWC અને મોબાઇલ/લેન્ડલાઇન સેવાઓ કાર્યરત છે.

CWC દ્વારા નર્મદા, તાપી, સાબરમતી, મહી, દમણગંગા, બનાસ અને શેત્રુંજી જેવા આંતર-રાજ્ય બેઝીન માટે ‘ઇનફ્લો અને ફ્લડ લેવલ ફોરકાસ્ટ’ મોકલવામાં આવે છે, જેના આધારે જળાશયોમાં પાણીનો સંગ્રહ કરવા કે છોડવા અંગેના નિર્ણયો ઝડપથી લઈ શકાય છે.

તંત્ર વચ્ચે સંકલન અને જીઓસ્પેશિયલ સેલની કામગીરી

ગાંધીનગર ખાતેનું પૂર નિયંત્રણ એકમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC સાથે સતત સંકલનમાં રહેવાથી રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્રને તમામ અપડેટ્સ મળતા રહે છે. દર મંગળવારે SEOC ખાતે યોજાતી ‘વેધર વોચ ગ્રુપ’ની બેઠકમાં જળાશયોની અદ્યતન માહિતી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, IMD દ્વારા જાહેર કરાતી Nowcast અને Forecast તેમજ જળાશયોના વોર્નિંગ મેસેજ સંબંધિત અધિકારીઓને તુરંત જ શેર કરવામાં આવે છે.

ગાંધીનગર સ્થિત જીઓસ્પેશિયલ સેલ દ્વારા સિંચાઈ યોજનાઓના ડિજિટલ નકશાઓ અને પૂર વિસ્તારના ઈન્ડિકેટિવ નકશાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જે ચોમાસા દરમિયાન પૂર પ્રભાવિત વિસ્તારોની આગોતરી ઓળખ કરવામાં ખૂબ સહાયરૂપ બને છે.

જળાશયોની સ્થિતિ જાણવા ૨૪x૭ રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ તૈનાત

ગાંધીનગર સ્થિત મધ્યસ્થ એકમ અને SEOC ખાતે ત્રણ પાળીમાં નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ ઈજનેર તથા સપોર્ટ સ્ટાફ ૨૪x૭ ફરજ બજાવી રહ્યા છે અને આકસ્મિક સ્થિતિ માટે ૨૪ કલાક વાહનની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આબોહવામાં સતત પરિવર્તન આવી રહ્યા છે ત્યારે ગુજરાતનું સેન્ટ્રલ ફ્લડ કન્ટ્રોલ સેલ દર્શાવે છે કે કેવી રીતે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમન્વય જળ વ્યવસ્થાપન અને આફતના જોખમને ઘટાડવામાં મદદરૂપ બની શકાય છે.

Related Posts