દામનગર શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે ત્વરિત અને યોગ્ય કાર્યવાહી અંગે જાગૃતિ લાવવાના હેતુથી ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા માહિતીપ્રદ તથા જીવંત ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ૧૦૮ સેવાના કર્મચારીઓ અનિલભાઈ અને વિશાલભાઈએ અકસ્માત, અચાનક બિમારી, બેભાન થવું, સાપદંશ, આગ જેવી ઇમર્જન્સી પરિસ્થિતિઓમાં ગભરાયા વગર ૧૦૮ સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત પ્રાથમિક સારવાર (First Aid), CPR અંગે પ્રાથમિક માર્ગદર્શન, દર્દીને સુરક્ષિત રીતે ખસેડવાની પદ્ધતિ તેમજ ઇમર્જન્સી સમયે સમયસર સારવારનું મહત્વ જીવંત નિદર્શન દ્વારા સમજાવ્યું હતું.
વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે વિવિધ પ્રશ્નો પૂછી ઉપયોગી માહિતી મેળવી અને ઇમર્જન્સી સમયે સજાગ નાગરિક તરીકે કેવી રીતે વર્તવું તેની સમજ પ્રાપ્ત કરી. કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થયો.
અંતે શાળા પરિવારે ૧૦૮ સેવાના કર્મચારીઓ અનિલભાઈ અને વિશાલભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આવા જાગૃતિ કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સેવાભાવ, આત્મવિશ્વાસ અને જીવનરક્ષક કૌશલ્યો વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકગણના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો.

















Recent Comments