ગુજરાત

ગુજરાત લોકભવનમાં ઐતિહાસિક શ્રીરામકથાનો પ્રારંભ, શ્રીરામનું જીવન એ માત્ર શ્રદ્ધાનો વિષય નહીં, પણ જીવન જીવવાની કળા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રીરામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ દ્વારા શ્રીરામકથાનું મહત્વ, તેની પૃષ્ઠભૂમિ અને પ્રભુ શ્રીરામના આદર્શ વ્યક્તિત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું જીવન માત્ર શ્રદ્ધા કે નમન કરવા પૂરતું સીમિત નથી. તેમનું જીવન એ જીવન જીવવાની કળા છે. એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને આદર્શ રાષ્ટ્રસેવક રાજા કેવા હોવા જોઈએ, તે રામાયણના વિવિધ પ્રસંગોમાંથી શીખવા મળે છે. શ્રીરામકથા ફક્ત સાંભળવા ખાતર નહીં, પરંતુ તેને જીવનમાં ઉતારવાથી જીવનની વ્યસ્થાઓ દૂર થતી હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત જનમેદનીને આ કથાનો લાભ લેવા અને તેમાંથી જીવનઘડતરની પ્રેરણા મેળવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા તેમની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યંત વ્યસ્ત હોવા છતાં મુખ્યમંત્રીશ્રી સતત જનસેવા માટે કાર્યરત રહે છે. તાજેતરમાં જ ટ્રેન પ્રવાસ કરી એક ગામની શાળામાં રાત્રિ રોકાણ કરવું અને અનુસૂચિત જાતિ પરિવારના આંગણે ભોજન લેવું એ તેમની સાદગી અને જનતા પ્રત્યેના લગાવનું ઉત્તમ ઉદાહરણ છે.

રાજ્યપાલશ્રીએ સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું સ્વાગત કર્યું હતું. તેમણે આચાર્યશ્રીના પરિવારની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાને આગળ વધારવાનું જે પુનિત કાર્ય કરી રહ્યા છે, તે અત્યંત અભિનંદનીય છે. આ કથા આગામી તારીખ ૨૮ જૂન સુધી પ્રતિદિન યોજાશે, જે અમૃત વર્ષા સમાન બની રહેશે.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ, પદાધિકારીઓ, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, લોકભવન પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી આસ્થા અને ઉત્સાહ સાથે કથાનો રસપાન કર્યો હતો.

Related Posts