ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ડિરેક્ટોરેટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ-DSD અને ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ-DET દ્વારા અમદાવાદની લે મેરિડિયન હોટેલ ખાતે નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન-NGKRM અંતર્ગત ‘ઉદ્યોગ-એકેડેમિયા-સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ આઉટરીચ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. ૨ જુલાઇ, ૨૦૨૬ના રોજ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવાનો તેમજ નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન, PM-SETU, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના લક્ષ્યોને હાંસલ કરવા માટે કુશળ માનવબળ ખૂબ આવશ્યક છે. વિશ્વસ્તરીય અને ઉદ્યોગલક્ષી તાલીમ દ્વારા જ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક યુવાનો તૈયાર કરી શકાશે. વધુમાં, તેમણે ઉદ્યોગોને સરકારના વિવિધ કૌશલ્ય મિશનોમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યમાં કૌશલ્ય વિકાસ, અભ્યાસક્રમ વિકાસ, ઇન્ટર્નશિપ, પ્રમાણપત્ર અને રોજગાર ક્ષેત્રે સહયોગ વધારવા માટે DSD, KSU, GTU તેમજ GIFT City દ્વારા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન-NSDC વચ્ચે સમજૂતી કરાર-MoU કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર તજજ્ઞો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ESSCI), ઓટોમોટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ASDC) તથા લોજિસ્ટિક્સ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (LSC) ના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્યની માંગ, ઉભરતી રોજગાર તકો, ઉદ્યોગલક્ષી તાલીમ કાર્યક્રમો તથા ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ અંગે વિસ્તૃત પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે NSDCના CEO શ્રી અરુણ પિલ્લઈ, કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ પ્રો. એસ. પી. સિંહ, DSDના નિયામક શ્રી કે. જે. રાઠોડ, નાયબ નિયામક શ્રી નિપુણ રાવલ, ડેલોઇટના ડિરેક્ટર શ્રી પ્રિયંક પટેલ, I.C.L.S.માંથી શ્રીમતી અંકિતા લાહોટી, NSDCના પ્રતિનિધિ શ્રી રાકેશ કુમાર સહિત રાજ્યભરના ૨૦૦થી વધુ ઉદ્યોગો, ઉદ્યોગ સંગઠનો, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, નોકરીદાતાઓ તથા સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.



















Recent Comments