અમરેલી

અમરેલી સ્થિત રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે માર્ગ અને મકાન વિભાગ-રાજ્યની નવી બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત કરતા ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

અમરેલી સ્થિત ઐતિહાસિક રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની નવી બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. ગુજરાત રાજ્યના ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આ અદ્યતન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવું ભવન અંદાજિત રૂ. ૮ કરોડની માતબર રકમના ખર્ચે તમામ આધુનિક ધારાધોરણો મુજબ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધાસભર અને અદ્યતન નવા બિલ્ડિંગના નિર્માણથી જિલ્લામાં સરકારી સેવાઓનું સ્તર વધુ ઊંચું આવશે. આ નવા માળખાને કારણે વહીવટી સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી સ્થાનિક પ્રજાના સરકારી કામો વધુ ઝડપી, સરળ અને પારદર્શી પદ્ધતિથી પૂર્ણ થશે.

પર્યાવરણની જાળવણી અને સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને આ નવા બિલ્ડિંગમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્યતન બિલ્ડિંગમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે અત્યાધુનિક રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. આ સાથે જ ભવિષ્યમાં કોઈપણ આકસ્મિક કટોકટી કે આગ જેવી દુર્ઘટનાઓ સામે રક્ષણ મેળવવા માટે હાઈ-ટેક ફાયર સિસ્ટમ અને ૨૪ કલાક પાણી પુરવઠાની સુવિધા માટે અંડર ગ્રાઉન્ડ સ્ટોરેજ પંપ પણ બનાવવામાં આવશે.

કચેરીએ આવતા મુલાકાતીઓ અને સ્ટાફના વાહનોની વ્યવસ્થિત અવરજવર માટે કેમ્પસના આંતરિક માળખાને મજબૂત બનાવવામાં આવશે. પ્રોજેક્ટના પ્લાનિંગ મુજબ અહીં એક અદ્યતન શેડ સાથેનો વિશાળ પાર્કિંગ એરિયા તૈયાર કરવામાં આવશે. જેથી વાહનો સુરક્ષિત પાર્ક થઈ શકે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન પણ કમ્પાઉન્ડમાં પાણી ન ભરાય અને સુગમતા રહે તે માટે આખા સંકુલમાં ટકાઉ સી.સી. રોડનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવનાર છે.સમગ્ર સરકારી સંકુલની કાયદાકીય મર્યાદા અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે આ નૂતન પ્રોજેક્ટ અંતર્ગત એક મજબૂત બાઉન્ડ્રી વોલ (સરહદી દીવાલ)નું પણ નિર્માણ કરવામાં આવશે. આ તમામ માળખાકીય સુવિધાઓ પૂર્ણ થતાં જ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)નું આ નવું બિલ્ડિંગ કાર્યરત થશે, જે અમરેલી જિલ્લાના વિકાસ અને સરકારી કાર્યક્ષમતાને એક નવી દિશા આપશે.

નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલીના સ્થાનિક હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અમરેલીના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હેતત્સવ ધોલાવાલા સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts