અમરેલી

સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી.

ગતરોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોર્ટ પરિસરમાં એક વિશેષ અને ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ન્યાયતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ આપ્યો હતો.

​સાવરકુંડલા કોર્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સાવરકુંડલાના મહેરબાન ફેમિલી જજ કુ. એચ. ડી. પંડિત, મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી કે. એન. સરવૈયા તેમજ મહેરબાન એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી એમ. એફ. પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જજશ્રીઓની સાથે સાવરકુંડલા બાર એસોસિએશનના વકીલ મિત્રો તેમજ કોર્ટના તમામ સ્ટાફ મિત્રોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા.

​આ આજના વિશેષ યોગ દિવસના કાર્યક્રમમાં જાણીતા યોગશિક્ષક શ્રી હિરેનભાઈ ડાભીએ યોગ ગુરુની ભૂમિકા ભજવી હતી. તેમણે ઉપસ્થિત સૌને પ્રોટોકોલ મુજબના વિવિધ આસનો ખૂબ જ સરળ શૈલીમાં કરાવ્યા હતા. આ સાથે જ તેમણે રોજિંદા જીવનમાં યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, યોગ માત્ર શારીરિક કસરત નથી પરંતુ માનસિક શાંતિ અને તણાવમુક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે યોગ કરવાથી થતા અગણિત સ્વાસ્થ્ય લાભો વિશે પણ સૌને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

​સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોર્ટ પરિસર યોગમય બની ગયું હતું. ન્યાયિક ક્ષેત્રની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ શારીરિક અને માનસિક સંતુલન જાળવી રાખવાના સંકલ્પ સાથે સાવરકુંડલા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ જ સફળતાપૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થઈ હતી.

Related Posts