ગુજરાત

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું કરાયું લોન્ચિંગ

ગુજરાત આજે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યમાંથી હાઈ-ટેક “સનરાઈઝ સેક્ટર્સ” જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે, તેમ આજે ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’ના લોન્ચિંગ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. ગુજરાતમાં વર્ષ ૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સ્થાપિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આજે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને આગામી ક્વોન્ટમ મિશન સહિતના ૧૧ મુખ્ય વર્ટિકલ્સ પર કાર્ય કરી રહ્યું છે. ભૂતકાળમાં જ્યાં પ્રાથમિક શાળાઓના વિજ્ઞાન મેળાઓ સામાન્ય મોડલ્સ પૂરતા સીમિત હતા, ત્યાં આજે ગુજકોસ્ટ આયોજિત ‘રોબોફેસ્ટ’ જેવા મંચો થકી હજારો યુવા વિદ્યાર્થીઓ મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને આઈટીના સમન્વયથી અત્યંત જટિલ વાસ્તવિક રોબોટ્સનું નિર્માણ કરી શિક્ષણ ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી બદલાવને પ્રદર્શિત કરી રહ્યા છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રતિભાશાળી રોબોટિક સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું આજે ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રોબોટિક્સ ટેકનોલોજી માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતી મર્યાદિત ન રહેતા માનવજીવન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય બની ચૂકી છે. તબીબી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિના ઉદાહરણરૂપે, એશિયાની ખ્યાતનામ કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC) ખાતે તાજેતરમાં જ રોબોટિક સર્જરીના માધ્યમથી સાત જટિલ લિવર ટ્રાન્સપ્લાન્ટ ૧૦૦ ટકા સફળતાના દર સાથે પીડારહિત રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. બીજી તરફ, બદલાતા વૈશ્વિક પ્રવાહો વચ્ચે ભવિષ્યના યુદ્ધો સૈનિકો દ્વારા સીધા સરહદ પર લડાવાને બદલે અદ્યતન રોબોટ્સ, ડ્રોન્સ અને બંકરમાં બેસીને સંચાલિત થતી આધુનિક શસ્ત્ર પ્રણાલી દ્વારા લડવામાં આવી રહ્યા છે. આમ, દેશના સાર્વભૌમત્વ અને સરહદી સુરક્ષાને અખંડ રાખવા માટે રોબોટિક એન્જિનિયરિંગમાં આત્મનિર્ભરતા અત્યંત આવશ્યક છે.

વર્ષ ૨૦૨૨ સુધી સેમિકન્ડક્ટર ક્ષેત્રે નહિવત હાજરી ધરાવતું ભારત આજે ગુજરાતના સક્રિય યોગદાનથી વૈશ્વિક પટલ પર અગ્રેસર બનવા જઈ રહ્યું છે. દેશના ૧૨ મોટા નિર્માણધીન પ્રોજેક્ટ્સમાંથી ૬ પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે. તે જ રીતે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં અત્યંત મહત્વપૂર્ણ એવા હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના ક્ષેત્રમાં પણ ભારત આગામી ૫ વર્ષમાં અભૂતપૂર્વ રોકાણ સાથે વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન હાંસલ કરવા સજ્જ બન્યું છે. આ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને યુવાધનના નવતર વિચારો જો સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિક સાહસોમાં રૂપાંતરિત થશે, તો જ વડાપ્રધાનશ્રીનું ‘વિકસિત ભારત@૨૦૪૭’ નું રાષ્ટ્રીય સ્વપ્ન સાકાર થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો વોસ્ટ ડૉ. કલ્પેશ વાડરાએ કહ્યું હતું કે, આજે જુનિયર અને સિનિયર કેટેગરીના વિજેતાઓની સર્જનાત્મકતા જોતાં સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઈનોવેટિવ ઉદ્યોગસાહસિકોની ક્યારેય અછત નહીં રહે. આ સાથે જ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ગુજકોસ્ટ વચ્ચે રાજ્યવ્યાપી ‘ડ્રોન લેબોરેટરી નેટવર્ક’ ની સ્થાપના માટેના એક ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે રાજ્યમાં શિક્ષણ, સુરક્ષા, કૌશલ્ય વિકાસ અને ઈનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડ્રોન જેવી ઉભરતી ટેક્નોલોજીઓ દ્વારા સંચાલિત તકનીકી ક્રાંતિના સાક્ષી બની રહ્યા છીએ, જેમાં ડ્રોન સુશાસન, આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષાનું એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે. ભારત સરકારે પ્રગતિશીલ સુધારાઓ દ્વારા દેશમાં એક મજબૂત ડ્રોન ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતું બજાર છે. આ સંદર્ભમાં, ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચેની આ ભાગીદારી સમગ્ર ગુજરાતમાં ‘હબ એન્ડ સ્પોક’ મોડલ હેઠળ ડ્રોન ટ્રેનિંગ ઇકોસિસ્ટમ અને લેબોરેટરીઝનું નેટવર્ક ઊભું કરશે. આ પહેલ માત્ર પાઇલટ્સને તાલીમ આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્ય માટે એક કુશળ કાર્યબળ, સંશોધકો અને ટેક્નોલોજી લીડર્સ તૈયાર કરીને ગુજરાતને ભારતના ટેક્નોલોજીકલ પરિવર્તનમાં અગ્રેસર રાખશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન-NRDCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી બિજયકુમાર સાહુએ જણાવ્યું હતું કે, આજે NRDC અને GUJCOST વચ્ચે કરવામાં આવેલ સમજૂતી કરાર એ માત્ર એક જોડાણ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેના ઇનોવેશનને સહ-નિર્માણ અને સેલિબ્રેટ કરવાનો અવસર છે. NRDCનું લક્ષ્ય ‘માઇન્ડ ટુ માર્કેટ’ અને ‘લેબ ટુ લેન્ડ’ કનેક્ટિવિટી સ્થાપિત કરવાનું છે.

તેમણે વધુમાં કહ્યું કે, દેશની આયાતી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા અને વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે દેશમાં જ ટેક્નોલોજીનું સર્જન કરવું ખૂબ અનિવાર્ય છે. કોઈ પણ સંસ્થા એકલા હાથે આ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતી નથી. જ્યારે આપણે એકબીજાની શક્તિઓને પૂરક બનાવીને સાથે મળીને કામ કરીશું, ત્યારે જ મોટો બદલાવ લાવી શકાશે. વર્તમાન સમય જ્ઞાન આધારિત અર્થતંત્રનો છે. આપણે જ્ઞાનને માત્ર સ્વીકારવાનું જ નથી, પરંતુ તેનું યોગ્ય સંચાલન કરીને તેનું આર્થિક મૂલ્ય પણ ઊભું કરવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ કહ્યું હતું કે, ‘રોબોફેસ્ટ ગુજરાત’ એ ગુજરાત સરકારનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. આ પહેલ દ્વારા રાજ્યમાં સંશોધન આધારિત નવીનતા, ટેક્નોલોજી ટ્રાન્સલેશન, કુશળ માનવબળના વિકાસ તથા ટેક્નોલોજી આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે. આજે કરવામાં આવનાર વિવિધ MOU થકી હજારો વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ, એન્જિનિયરિંગ કૌશલ્યો, સંશોધન, ડિઝાઇન તથા ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે આગળ વધવાની વધુ તક મળશે, તેમ જણાવી શ્રી જાડેજાએ સર્વે સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં GUJCOST અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારના માધ્યમથી ટેક્નોલોજી ટ્રાન્સફર, સંશોધનના વ્યાવસાયિક ઉપયોગ, બૌદ્ધિક સંપદા સંરક્ષણ, લાઇસન્સિંગ સહાય તથા યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત GUJCOST અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર વચ્ચે રાજ્યવ્યાપી ડ્રોન લેબોરેટરી નેટવર્કની સ્થાપના માટે પણ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.

આ વર્ષે યોજાનારી સ્પર્ધાની મુખ્ય થીમ “AI-Powered Robotics Innovation Challenge” રાખવામાં આવી છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સના કૌશલ્યને પ્રોત્સાહન આપીને વૈશ્વિક સ્તરના સંશોધકો તૈયાર કરવાનો છે.

આ સ્પર્ધાના જુદા-જુદા તબક્કાઓમાં વિજેતા થનાર અને પ્રોટોટાઇપ બનાવનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. ૦૫ કરોડની માતબર ઇનામી રકમ રાખવામાં આવી છે. આ સ્પર્ધા બે સ્તરોમાં યોજાશે, જેમાં જુનિયર લેવલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, ITI અને ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ તેમજ સિનિયર લેવલમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) ક્ષેત્રમાં અભ્યાસ કરતા પ્રથમથી ત્રીજા વર્ષના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાના બંને સ્તરે વિદ્યાર્થીઓએ ત્રણ ક્રમિક તબક્કાઓમાંથી પસાર થવાનું રહેશે. આગામી વર્ષ ૨૦૨૭ના સંભવિત ફેબ્રુઆરી માસમાં આ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે યોજાશે અને સ્પર્ધકોને ઇનામ આપવામાં આવશે.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘રોબોફેસ્ટ ગુજરાત ૫.૦’ના વિજેતા વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા એવોર્ડ વિજેતા રોબોટ્સનું જીવંત પ્રદર્શન રહ્યું હતું. મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ વિવિધ રોબોટિક સોલ્યુશન્સનું નિરીક્ષણ કરી વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલમાં રોબોટિક્સના ઉપયોગનો અનુભવ કર્યો હતો. પ્રદર્શનમાં ભાગ લેનાર ટીમોની સર્જનાત્મકતા, ટેકનિકલ નિપુણતા અને નવીન વિચારસરણીને મહાનુભાવોએ બિરદાવી હતી.

GUJCOST ના સાયન્ટિફિક ઑફિસર શ્રી પાયલ પંડિતે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે IACEના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઇ. રાજીવ સહિત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારી–કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts