ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઓનલાઈન વ્યાખ્યાન યોજાયું હતું. કૃષિ વિસ્તરણ વિભાગના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. કે. વી. મશાલિયાએ “Natural Farming: A Pathway to Sustainable Agriculture” વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સત્ર નવી દિલ્હીની ‘એગ્રી મીટ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત ૩૦ દિવસીય સમર સ્કૂલ-કમ-ટ્રેનિંગ પ્રોગ્રામ “ANKURAN-2026” ના ૨૨મા દિવસે, તા. ૦૬/૦૭/૨૦૨૬ ના રોજ યોજાયું હતું.
આ સમગ્ર આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ ઉપરાંત આચાર્ય ડૉ. પ્રભુ નાયકા અને ડૉ. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ રાષ્ટ્રીય વેબિનારમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૧૫૦થી વધુ વરિષ્ઠ વૈજ્ઞાનિકો, કૃષિ અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા. કાર્યક્રમનું સફળ સંકલન ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર ડૉ. રેવાંગીની રાંઝા દ્વારા કરાયું હતું.
વ્યાખ્યાન દરમિયાન ડૉ. મશાલિયાએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને ભારતીય કૃષિ પરંપરાનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જમીનની ફળદ્રુપતા વધારવા માટે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપસા અને આચ્છાદન (મલ્ચિંગ) જેવી પદ્ધતિઓ પર ભાર મૂક્યો હતો. રાસાયણિક ખેતીના વધતા ખર્ચ અને પર્યાવરણીય નુકસાન સામે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર ટકાઉ વિકલ્પ ગણાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની જૈવિક સક્રિયતા વધે છે અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ખેડૂતોને આત્મનિર્ભર બનાવી લાંબા ગાળે ખેતીને વધુ નફાકારક અને પર્યાવરણપ્રેમી બનાવે છે. સત્રના અંતે ઉપસ્થિત સહભાગીઓના પ્રશ્નોના યોગ્ય જવાબો આપવામાં આવ્યા હતા અને દેશભરમાં આ ખેતીનો વ્યાપ વધારવા અપીલ કરવામાં આવી હતી તેમ કૉલેજ ઑફ નેચરલ ફાર્મિંગ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.













Recent Comments