ભાવનગર

ભાવનગર જિલ્લામાં ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લાના નાયબ પશુપાલન નિયામક તથા જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના સભ્ય
સચિવશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ઉંદરોને પકડવા માટે ઉપયોગમાં લેવાતો ગ્લુ ટ્રેપ (ગ્લુ-બોર્ડ/સ્ટીકી ટ્રેપ)
પ્રાણીઓ માટે અત્યંત પીડાદાયક અને ક્રૂર સાધન છે. ગ્લુ ટ્રેપમાં ફસાયેલા ઉંદર પોતાની જાતે છૂટી શકતા નથી, જેના
કારણે તેઓ ડીહાઇડ્રેશન, ભૂખમરો અને ગુંગળામણ જેવી અસહ્ય પીડા ભોગવી અંતે મૃત્યુ પામે છે. આ પ્રકારની ક્રૂરતા
પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ની કલમ-૧૧ હેઠળ બિનજરૂરી પીડા પહોંચાડવા સમાન ગણાય છે.
ગુજરાત સરકારના ઠરાવ અનુસાર રાજ્યમાં ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ
મૂકવામાં આવ્યો છે. તેથી ઉંદર પકડવાના સાધનોનું ઉત્પાદન અને વેચાણ કરતા તમામ ઉત્પાદકો, વેપારીઓ તથા
સંબંધિત એકમોએ આ પ્રતિબંધનો કડક અમલ કરવો જરૂરી છે. ભાવનગર જિલ્લામાં પણ આ જોગવાઈઓનું ચુસ્તપણે
પાલન કરવામાં આવશે અને પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે નિયમો મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ
ધરવામાં આવશે.
નાયબ પશુપાલન નિયામક તથા જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના સભ્ય સચિવશ્રીએ તમામ
વેપારીઓ તેમજ નાગરિકોને ગ્લુ ટ્રેપનો ઉપયોગ ન કરવા અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવી કાયદાનું
પાલન કરવા અપીલ કરી છે.

Related Posts