અમરેલી

રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (NSO) દ્વારા ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન અમરેલી જિલ્લામાં વિવિધ સામાજિક – આર્થિક સર્વેક્ષણો હાથ ધરાશે

ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (NSO) ના ક્ષેત્ર સંચાલન વિભાગ (FOD) દ્વારા દેશના વિકાસ અને નીતિ નિર્માણ માટે વર્ષ ૧૯૫૦થી સતત વિવિધ પ્રકારની આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ અંતર્ગત સંસ્થાના પ્રશિક્ષિત અધિકારીઓ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરાયેલા પરિવારો, ઉદ્યોગો અને ગામોની મુલાકાત લઈને ‘e-Sigma’ સોફ્ટવેર ધરાવતા આધુનિક ડિજિટલ ટેબ્લેટ તેમજ સુરક્ષિત વેબ પોર્ટલના માધ્યમથી ડેટા એકત્રિત કરવામાં આવે છે.

આ ઘરગથ્થુ સર્વેક્ષણો માટે પરિવારના વડા અથવા જાણકાર સભ્ય પાસેથી અને ઉદ્યોગો માટે અધિકૃત વ્યક્તિ કે સંસ્થાના માલિક પાસેથી સચોટ માહિતી મેળવવામાં આવે છે. હાલમાં દેશવ્યાપી ૮૧મા રાઉન્ડના સામાજિક-આર્થિક સર્વેક્ષણો અંતર્ગત જુલાઈ ૨૦૨૬થી સમગ્ર દેશમાં વિવિધ મહત્વપૂર્ણ સર્વેક્ષણો શરૂ કરવામાં આવ્યા છે. આ આયોજન હેઠળ, ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ઉપ પ્રાદેશિક કાર્યાલય, ભાવનગરના અધિકારક્ષેત્ર હેઠળ આવતા અમરેલી જિલ્લાના પસંદ કરાયેલા વિસ્તારોમાં નીચે મુજબના સર્વેક્ષણો હાથ ધરવામાં આવશે.

•       ઋણ, રોકાણ અને સ્થિતિ આકલન સર્વેક્ષણ (AIDIS & SAS): સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે પરિવારોની સંપત્તિ, દેવું, રોકાણ તેમજ કૃષિ પરિવારોની આજીવિકા અને આવક-ખર્ચ સંબંધિત માહિતી એકત્રિત કરાશે.

• સ્થળાંતર (Migration) સર્વેક્ષણ: દેશમાં શિક્ષણ, રોજગાર અને લગ્ન જેવા કારણોસર થતા સ્થળાંતરના પ્રકારો જાણવા માટે ધારી ખાતે આ સર્વેક્ષણ હાથ ધરાશે.

• આવર્તક શ્રમબળ સર્વેક્ષણ (PLFS): શ્રમબજારની વાસ્તવિક સ્થિતિ અને રોજગાર-બેરોજગારીના સૂચકો ચકાસવા માટે કુંકાવાવ-વડિયાના બાદનપુર નવા, લાઠીના અણસોદર તથા રાજુલા શહેર ના પસંદ કરાયેલા પરિવારો પાસેથી માહિતી મેળવાશે.

• બિન-નિગમિત ક્ષેત્રના ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ (ASUSE): અસંગઠિત અને બિન-કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રાજુલા તાલુકાના ડુંગર ખાતે આવેલા પસંદગીના ઉદ્યોગોમાંથી આર્થિક કામગીરી સંબંધિત માહિતી એકત્રિત કરાશે.

• ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) સર્વેક્ષણ: બજારના ભાવોની સ્થિતિ જાણવા માટે ડુંગર, ચિતલ, અમરેલી, ચમારદી અને બાબરા ખાતેથી ભાવ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

જિલ્લા અને દેશના સર્વાંગી વિકાસની યોજનાઓ તેમજ કલ્યાણકારી નીતિઓના સુદ્રઢ ઘડતર માટે આ આંકડાકીય ડેટાબેઝ અત્યંત મહત્વનો છે. તેથી, NSO દ્વારા સર્વેક્ષણ માટે મુલાકાત લેતા અધિકારીઓને પૂરતો સહકાર આપવા અને સાચી તેમજ સચોટ માહિતી પૂરી પાડવા અમરેલી જિલ્લાના પસંદ થયેલા તમામ નાગરિકો, પરિવારો અને ઉદ્યોગ ગૃહોને ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનની એક યાદીમાં નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts