અમરેલી

જાફરાબાદ તાલુકાના વૃદ્ધ પેન્શન લાભાર્થીઓને ત્રણ મહિનાથી પેન્શન નથી મળેલ, તો તાત્કાલિક ચૂકવણી કરવા માંગ કરતા ટીકુભાઈ વરૂ

જાફરાબાદ તાલુકામાં વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને છેલ્લા ત્રણ મહિનાથી પેન્શનની ચૂકવણી કરવામાં આવી નથી જેને કારણે અનેક વૃદ્ધ નાગરિકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વૃદ્ધો પોતાની જીવન જરૂરિયાતો, દવા-સારવાર અને ઘરખર્ચ માટે મળતી પેન્શન ઉપર આધાર રાખી રહ્યા છે ત્યારે સમયસર પેન્શન ન મળતા તેમની હાલત મુશ્કેલીભરી બની છે.
જાફરાબાદ તાલુકાના વૃદ્ધ પેન્શન લાભાર્થીઓના પ્રશ્નને ધ્યાનમાં લઈ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરૂ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વૃદ્ધોને મળવાપાત્ર છેલ્લા ત્રણ મહિનાની બાકી પેન્શનની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે અને લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ નાગરિકો માટે આર્થિક આધાર સમાન છે. પેન્શનની ચુકવણીમાં વિલંબ થવાથી વૃદ્ધોને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી બાકી રહેલી પેન્શન ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં પણ નિયમિત સમયસર પેન્શન મળે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરૂએ કલેક્ટરશ્રી સમક્ષ વૃદ્ધ નાગરિકોના હિતમાં વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related Posts