અમરેલી

પ્રાકૃતિક ખેતી એટલે સ્વસ્થ જમીન, સ્વસ્થ સમાજ અને ટકાઉ ભવિષ્યનો પાયો

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર રફાળા મુકામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૪૦ થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તાલીમ દરમિયાન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મશાલીયા અને કુ. આર. એચ. વઘાસિયા, ખેતી અધિકારી શ્રી બી. એમ. મોદી, કુ. યુ. એન. ડોડીયા, ખેતી મદદનીશ શ્રી વી. એસ. ઠાકોર તથા લેબોરેટરી ટેક્નિશિયન શ્રી એન. કે. માંજરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપસા અને આચ્છાદન વિશે વિગતવાર સમજણ આપી હતી. ઉપરાંત બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવા પ્રાકૃતિક અસ્ત્રો દ્વારા જીવાત નિયંત્રણની અસરકારક પદ્ધતિઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

તાલીમમાં મિશ્રપાક પદ્ધતિના વૈજ્ઞાનિક લાભો અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક જ ખેતરમાં વિવિધ પાકોનું આયોજન કરીને જમીનની ફળદ્રુપતા જાળવવી, જીવાત અને રોગના ઉપદ્રવમાં ઘટાડો કરવો, ઉત્પાદનની સ્થિરતા વધારવી તેમજ ખેડૂતોની આવકમાં વધારો કરવાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખાદ્યપદાર્થોના માનવ આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ કૃષિ વિકાસમાં રહેલા મહત્વ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પૂછાયેલા વિવિધ પ્રશ્નોના નિષ્ણાતો દ્વારા સંતોષકારક અને વ્યવહારુ જવાબો આપવામાં આવ્યા હતા. સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવી ખેતીને વધુ ટકાઉ, પર્યાવરણમૈત્રી, સ્વાવલંબી તથા ખર્ચ-અસરકારક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ તાલીમ કાર્યક્રમ માત્ર માહિતી અને જ્ઞાનના આદાન-પ્રદાન પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ “ખેત બચાવો, પ્રાકૃતિક ખેતી અપનાવો અને ખેડૂત સમૃદ્ધ બનાવો” ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક અસરકારક અને પ્રેરણાદાયી પહેલ તરીકે સફળ રહ્યો હતો તેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts