અમરેલી

સાવરકુંડલામાં ભરચોમાસે વરસાદની સંતાકૂકડી: નેતાઓની જેમ હાથતાળી આપતાં વાદળો

હાલ અષાઢ મહિનો એટલે કે ભર ચોમાસાની પૂરબહાર મોસમ ચાલી રહી છે. સાહિત્યમાં જેનું આગવું મહત્વ છે તેવા અષાઢમાં સાવરકુંડલાના આકાશમાં વાદળોની ઘેરાબંધી તો જોવા મળે છે, પરંતુ વર્ષારાણીની સંતાકૂકડી સાંપ્રત રાજકીય નેતાઓ જેવી જોવા મળી રહી છે. આ વર્ષે અષાઢ બેસી ગયો હોવા છતાં જોઈએ તેવો મન મૂકીને વરસાદ વરસ્યો નથી.

​આજે સવારે આશરે સવા છ વાગ્યાના સુમારે ભારે પવન સાથે થોડા સમય માટે છાંટા પડ્યા હતા, એમ હતું કે હમણાં ટૂટી પડશે.. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ ‘હતા ત્યાં ને ત્યાં’ જેવી થઈ ગઈ હતી. વરસાદે જાણે સાવરકુંડલાવાસીઓ સાથે રૂસણાં લીધા હોય તેમ આકાશમાંથી ટગર-ટગર જોઈ રહ્યો છે. નાના બાળકોના મુખે પણ હવે તો એવી ચર્ચા છે કે *”વર્ષારાણી આપણી સાથે કિટ્ટા થઈ ગયા છે.”* વાતાવરણમાં ભેજ અને ઉકળાટનો અભાવ હોવાથી હાલ તુરંત જોરદાર વરસાદ પડવાના કોઈ અણસાર દેખાતા નથી. જો કે આતો વર્ષારાણી કહેવાય ક્યારે રીઝે અને ક્યારે ખીઝે એ તેના મૂડ પર ડીપેન્ડ રહે. ચોમાસાની ઋતુને કારણે શહેરમાં દેડકાંનો ઉપદ્રવ વધ્યો છે, સાથે જ વાયરલ તાવ તેમજ શરદી-ઉધરસના દર્દીઓનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે.

​બીજી તરફ, ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કરી દીધું હોવાથી આ બિયારણને જીવનદાન મળે તે માટે એકાદ સારો વરસાદ થઈ જાય તે ખૂબ જરૂરી બન્યું છે. શાળાએથી ભણીને ઘર તરફ પરત ફરી રહેલી નાની બાળા ધાર્વિબેન પણ આકાશ તરફ નજર માંડીને વર્ષારાણીની આતુરતાથી પ્રતીક્ષા કરી રહી છે. હવે તો બસ, સૌ કોઈ હેમખેમ મેઘરાજા મન મૂકીને વરસાવી દે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હાલ બપોરના ચાર વાગ્યા સુધી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી તો વરસાદના કોઈ વાવડ નથી ખાલી વાદળો .. અને ડોળ..

Related Posts