રાજ્યમાં નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ખડેપગે રહીને કાયદો અને વ્યવસ્થા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરતા પોલીસ જવાનોના માનસિક સ્વાસ્થ્ય અને પરિવારની ખુશીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન’ દ્વારા અગાઉ પોલીસ કર્મચારીઓ અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મીઓને નવરાત્રી દરમિયાન તબક્કાવાર રજા કે રાહત આપવામાં આવે તથા તેઓ પણ પરિવાર સાથે આસ્થાપૂર્વક પર્વની ઉજવણી કરી શકે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
હ્યુમન રાઇટ્સ ફેડરેશનની આ સકારાત્મક અને ન્યાયી રજૂઆતને માન આપીને ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિક સાહેબ દ્વારા ગંભીરતાથી નોટિસ લેવામાં આવી છે. ડી.જી.પી. સાહેબ દ્વારા પોલીસ વિભાગની ‘આઈ બ્રાન્ચ’ (I Branch) ને સત્તાવાર આદેશ આપવામાં આવ્યા છે કે, નવરાત્રી ઉત્સવ દરમિયાન ડ્યુટી પર રહેલા પોલીસ કર્મચારીઓ અને વિશેષરૂપે મહિલા પોલીસ કર્મીઓને તબક્કાવાર રજા કે રાહત પૂરી પાડવામાં આવે, જેથી તેઓ પણ પોતાની ફરજની સાથે-સાથે મા અંબાની આરાધના કરી શકે અને ગરબા મહોત્સવની ક્ષણોમાં સામેલ થઈ શકે.
પોલીસ કર્મચારીઓના માનવ અધિકારો, હક્કો અને પરિવારની ખુશીઓ માટે સતત અવાજ ઉઠાવનાર હ્યુમન રાઇટ્સ ફેડરેશનની આ રજૂઆત સફળ થતા સમગ્ર પોલીસ પરિવાર અને સંગઠન દ્વારા ડી.જી.પી. શ્રી જી.એસ. મલિક સાહેબ તથા પોલીસ પ્રશાસનનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


















Recent Comments