અમરેલી

સાવરકુંડલામાં વોર્ડ નં. ૮ ની રજૂઆતનો પડઘો: ગંદા પાણીના મિશ્રણ મુદ્દે પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું

પ્રજાકીય પ્રશ્નો પ્રત્યે જો લોકપ્રતિનિધિ સજાગ હોય અને યોગ્ય માધ્યમ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવે, તો ગમે તેવું નિષ્ક્રિય તંત્ર પણ હરકતમાં આવવા મજબૂર બને છે. આવો જ એક કિસ્સો સાવરકુંડલા શહેરમાં જોવા મળ્યો છે, જ્યાં વોર્ડ નંબર ૮ ના જાગૃત સદસ્યા મેઘાબેન એચ. ગઢીયા દ્વારા  કરવામાં આવેલી રજૂઆતના તીવ્ર પડઘા પડતાં નગરપાલિકા તંત્ર આખરે ઊંઘમાંથી જાગીને સ્થળ પર દોડી ગયું હતું.

સાવરકુંડલાના વોર્ડ નંબર ૮માં પીવાના ચોખ્ખા પાણીની પાઇપલાઇનમાં ગટરના ગંદા પાણી ભળી જવાની ગંભીર અને આરોગ્ય વિષયક સમસ્યા ઊભી થઈ હતી. આ બાબતે સ્થાનિક સદસ્ય દ્વારા યોગ્ય પ્લેટફોર્મ અને માધ્યમો દ્વારા તંત્ર સમક્ષ કડક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે નગરપાલિકાનું આળસુ તંત્ર સફાળું જાગ્યું હતું અને પાલિકાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમસ્યાનું નિવારણ લાવવાની કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિકોમાં ચર્ચાતી વિગતો મુજબ, પ્રજાના પ્રશ્ને “છાશ લેવા જવું અને દોણી સંતાડવી” જેવી નીતિ હવે ચલાવી લેવાય તેમ નથી. જો યોગ્ય અને અસરકારક માધ્યમથી રજૂઆત કરવામાં આવે તો તંત્રને કાન સુધી અવાજ પહોંચાડવો જ પડે છે. આ સફળ રજૂઆત બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સાવરકુંડલા નગરપાલિકાના તમામ સદસ્યો પણ આવી જ જાગૃતિ દાખવે અને પોતપોતાના વિસ્તારની જનસમસ્યાઓ સંદર્ભે તંત્ર અને મીડિયા સમક્ષ ધારદાર રજૂઆતો કરે.

લોકતંત્રની સૌથી મહત્ત્વની બાબત પ્રજા અને તેના પ્રતિનિધિઓની જાગૃતિ છે. જો સમાજ કે વ્યક્તિ પોતે જ ઊંઘતો રહે, તો તેની સમસ્યાઓ ઉકેલવા કોઈ આગળ આવતું નથી. વોર્ડ નં. ૮ ની આ ઘટનાએ સાબિત કર્યું છે કે સતત જાગૃતિ અને સચોટ રજૂઆત જ લોકશાહીમાં પરિણામ લાવી શકે છે.

Related Posts