સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં આગામી તા. ૨૩-૨૪-૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની જાહેરાત સાથે શિક્ષણ વિભાગના ત્રિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવાના હેતુથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ગરીમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ જોડાયા હતા.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ પ્રેરક ઉદ્બોધન કર્યુ હતું. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યની શાળાઓની ગુણવત્તાની ચકાસણી કાર્યક્રમ, નવી શિક્ષણ નીતિ રૂપરેખાની પુસ્તિકાનું વિમોચન અને નિપૂણ ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ત્રણ દિવસ દરમિયાન પ્રવર્તમાન સ્થિતિને અનુરૂપ ઊર્જા બચતના અભિગમ સાથે સામૂહિક વ્યવસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજાશે. અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર વતી ઉપસ્થિત રહેનાર મંત્રીશ્રી ઉપરાંત જિલ્લા પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ત્રણ દિવસ દરમિયાન શાળામાં ધો.૧-૧૧માં નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિવિધ આયામો અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના અધિકારીશ્રીઓને શાળા પ્રવેશોત્સવને સરકારી કાર્યક્રમ તરીકે નહીં પરંતુ વિકસિત ભારતના શિક્ષિત નાગરિકના નિર્માણના પાયા તરીકે ઉજવવા અનુરોધ કર્યો હતો. તેમણે અધિકારીશ્રીઓને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરી તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી પ્રોત્સાહન આપવા માટે જણાવ્યું હતું. વિકસિત ભારત ૨૦૪૭માં યોગદાન આપનારા આજના બાળકોને પ્રોત્સાહન આપી અને શિક્ષિત ગુજરાતના શિક્ષિત નાગરિકોને ઘડવા માટે પોતાનું યોગદાન આપવા માટે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
અમરેલી જિલ્લામાં આ વર્ષે બાલવાટિકામાં ૧૦,૯૭૯, ધો. ૦૧માં ૧૨,૬૪૬ અને ધો. ૦૧માં બાલવાટિકા ઉપરાંતના ૪૧૨, ધો. ૦૬માં ૨૨,૦૮૮, ધો. ૦૯માં ૨૦,૮૭૬, ધો. ૧૬,૦૦૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રતિદિન એક અથવા ૦૨ પ્રાથમિક અને ૦૧ માધ્યમિક શાળામાં કાર્યક્રમ યોજાશે.
આ બેઠકમાં અમરેલી જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.















Recent Comments