વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં મંદિર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો પૈકી સોમનાથ મંદિરના પૌરાણિક યુગથી જીર્ણોદ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નિહાળશે.
આ પ્રદર્શનમાં એલ.ઇ.ડી. સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તેમજ મંદિરના જીર્ણોદ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે રજૂ કરવામાં આવી છે.
સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગનો અતિ પ્રાચીન ગ્રંથ શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ થયેલ છે. સતયુગ, ત્રેતા યુગ, દ્વાપરયુગમાં પણ નિરંતર આ મંદિરના પુનઃ નિર્માણની પ્રક્રિયા સતત ચાલતી આવી છે.
વિદેશીઓના આક્રમણ બાદ વીર હમિરાજી, કાન્હાદેવ, રાજાભોજ, ભીમદેવ સોલંકીએ સોમનાથ શિવ મંદિરને સુરક્ષિત રાખવા તેમજ તેના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ, મંદિર પુનઃસ્થાપનની પ્રક્રિયાના દસ્તાવેજો, અલભ્ય ફોટોગ્રાફ્સ પણ જોવા મળશે.
પ્રદર્શનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ તટ પરથી વિશ્વને આપેલ સંદેશનું ખાસ નિરૂપણ જોવા મળશે. આ સંદેશમાં વડાપ્રધાનશ્રીએ જણાવેલું છે કે,
‘વિકસિત ભારતના નિર્માણના મૂળમાં આપણી આધ્યાત્મિક શક્તિ સર્વ શક્તિમાન છે.’
આ ઐતિહાસિક ધાર્મિક અને સાંસ્કૃતિક સોમનાથ મંદિરની યશોગાથાને વર્ણવતું પ્રદર્શન આગામી દિવસોમાં ભાવિકો માટે ખુલ્લું રહેશે.
















Recent Comments