શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે આજરોજ સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીના વરદહસ્તે ગુરુકુળના બાલવાટિકા, ધોરણ-૧ તેમજ ધોરણ-૯ અને ૧૧માં નવા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.
આ મંગલ પ્રસંગે અ. નિ. હરિહર સ્વામીજીની પવિત્ર સ્મૃતિમાં ધોરણ-૫ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને ૫-૫ ફૂલસ્કેપ ચોપડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહ (Science) અને સામાન્ય પ્રવાહ (Commerce/Arts) માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી A_1 અને A_2 ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહક ભેટ અને સર્ટિફિકેટ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ગુરુકુળના જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધી હતી.
સંસ્થાના પ્રમુખ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ ખાસ અમેરિકાથી ડિજિટલ માધ્યમ દ્વારા નવા પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત સંતો અને મહાનુભાવોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢથી પધારેલા પૂજ્ય જે.પી. સ્વામી, સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના સંતો, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, શ્રી જીવનભાઈ વેકરીયા, શ્રી પ્રવિણભાઈ સાવજ, પૂર્વ પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ શ્રી કનુભાઈ ગેડીયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું સ્વાગત સંસ્થાના વડા પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી, મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી તેમજ સંસ્થાના ડાયરેક્ટર વ્યાસ સાહેબ, શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ, કૌશિકભાઈ, ગૌરાંગભાઈ અને વૈશાલીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાયન્સ વિભાગના આચાર્ય શ્રી હરેશભાઈએ કર્યું હતું. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીએ ભારે જહેમત ઉઠાવી હતી અને અંતમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


















Recent Comments