ભાવનગર

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે બાર્ટન સંગ્રહાલય, ભાવનગર ખાતે વિશેષ ઉજવણી કરાશે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર હસ્તકના નિયામકશ્રી સંગ્રહાલય ખાતું,
ગાંધીનગરની કચેરી હેઠળ આવેલ બાર્ટન સંગ્રહાલય, ભાવનગર ખાતે તા. ૧૮ મે, ૨૦૨૬ (સોમવાર)ના રોજ
“આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે નાગરિકો, વિદ્યાર્થીઓ, કલા-રસિકો અને
ઇતિહાસપ્રેમી જનતા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વભરમાં દર વર્ષે ૧૮ મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે
International Council of Museums (ICOM) દ્વારા “Museums Uniting a Divided World” થીમ જાહેર કરવામાં આવી
છે. આ થીમ દ્વારા સંગ્રહાલયોને સંસ્કૃતિ, શિક્ષણ, સંવાદિતા અને સામાજિક એકતાના કેન્દ્ર તરીકે વધુ મજબૂત
બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

ભાવનગરનું બાર્ટન સંગ્રહાલય સૌરાષ્ટ્રના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરતું અગ્રણી
સંગ્રહાલય છે. અહીં આશરે ૧૬,૭૦૦થી વધુ દુર્લભ અને પ્રાચીન નમુનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં હિંદુ,
જૈન તથા બૌદ્ધ શિલ્પો, પ્રાચીન સિક્કાઓ, તામ્રપત્રો, શસ્ત્રો, લોકવાદ્યો, લોકકલાની કલાકૃતિઓ, તાડપત્રો, જીવાશ્મો,
કાષ્ઠકલાના નમૂનાઓ તેમજ સૌરાષ્ટ્રની પરંપરાગત ભરતકામ હસ્તકલાના નમૂનાઓનો સમાવેશ થાય છે.
બાર્ટન સંગ્રહાલયના ક્યુરેટર શ્રીમતી તેજલ પરમારના જણાવ્યું છે કે, આ ઉજવણીના ભાગરૂપે “તાવડી
પેઇન્ટિંગ (Tavdi Painting)” વિષયક નિઃશુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલા અને પરંપરાગત
હસ્તકલામાં રસ ધરાવતા લોકો ભાગ લઈ શકશે.
ભાવનગર શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ અવસરે સંગ્રહાલયની મુલાકાત લઈ આપણા
સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળવા તેમજ આયોજિત વર્કશોપમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં
આવ્યું છે.

Related Posts