અમરેલી

‘સ્વચ્છતા હી સેવા’ – સ્વચ્છ ભારત મિશન 

 ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત અમરેલી જિલ્લામાં પર્યાવરણ અનુકૂળ અને આધુનિક કચરા સંગ્રહ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ-રિક્ષા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રકલ્પ અંતર્ગત જિલ્લાના વિવિધ મહત્વના તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં આ વાહન વ્યવસ્થા કાર્યરત બનશે. અમરેલી, કુંકાવાવ, ખાંભા, લીલીયા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થશે. આ સુવિધા શરૂ થવાથી અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગંદકીના પ્રશ્નો હલ થશે અને રોગચાળો અટકાવવામાં મોટી મદદ મળશે.

આ નવીન વ્યવસ્થા થકી ગ્રામીણ સ્તરે કચરો એકત્ર કરવાની કામગીરી વધુ ઝડપી, વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત બનશે. ઈ-રિક્ષા વાહનો સાંકડી ગલીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી ફરી શકશે, જેથી ઘરે-ઘરેથી ઘન કચરો એકઠો કરવાનું સરળ બનશે. એકત્રિત કરાયેલા કચરાને નિયત કરાયેલા સેગ્રિગેશન શેડ અથવા પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચાડી તેનું ખાતર અથવા અન્ય સ્વરૂપે રિસાયકલિંગ કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે. આ વાહનો સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક (બેટરી ઓપરેટેડ) હોવાથી ગામડાઓમાં પ્રદૂષણ ફેલાશે નહીં અને ઈંધણની પણ બચત થશે.

ઈ-રિક્ષા લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર સરકારી યોજના નથી, પરંતુ એક સામૂહિક જવાબદારી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ ડિજિટલ અને ગ્રીન ટેકનોલોજી આધારિત વાહનો ગામડાઓની કાયાપલટ કરશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત હોદ્દેદારો, તાલુકા પંચાયતોના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts