અમરેલી

રાજ્ય કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા આયોજન મંડળ ૨૦૨૬-૨૭ની બેઠક યોજાઈ

રાજ્ય સરકારના કૃષિમંત્રી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં-અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગવંતો બનાવવા તેમજ નાગરિકલક્ષી સુખ-સુવિધા અને તેમજ જનસુખાકારીમાં વધારો કરતા વર્ષ ૨૦૨૬-૨૭ના વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા આયોજન વિકેન્દ્રિત અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન તાલુકા કક્ષા અને નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ અંદાજે કુલ રૂ. ૨૦.૫૦ કરોડ ખર્ચના કુલ ૬૪૧ વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. સાથે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ પેટા યોજના વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ કુલ રૂ. ૧.૮૪ કરોડના ખર્ચે ૭૫ વિકાસકામો હાથ ધરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારોમાં વિકાસની નેમને સાકાર કરવા માટે નગરપાલિકા વિવેકાધીન યોજના વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ કુલ ૦૯ નગરપાલિકાના ૬૬ વિકાસકામોના અંદાજિત રૂ. ૪.૫૦ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની (બક્ષીપંચ) ખાસ પ્લાન યોજના વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ બાબરા, જાફરાબાદ, ખાંભા અને રાજુલા તાલુકાના કુલ મળીને ૬ વિકાકાર્યો રૂ. ૨૦ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ અન્વયે મંજૂર થયેલ તથા ફેરફાર કરવામાં આવેલ કુલ ૧૩૬ વિકાસકામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અમરેલી જિલ્લાને ૪૯.૨૫ કરોડની ગ્રાંટ મળતી હતી. હાલમાં સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી આ ગ્રાંટ ૬૬.૭૫ કરોડની કરવામાં આવેલ છે. આમ, જિલ્લાને મળતી કુલ ગ્રાંટમાં ૩૫.૫૩ ટકા જેટલો વધારો થયો છે. હવે વધુમાં વધુ વિકાસના કામો કરવામાં મદદ મળશે. સાથે અગાઉ વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યના ૩૩ જિલ્લા પૈકી અમરેલી જિલ્લામાં મળવાપાત્ર જોગવાઈ રકમ રૂ. ૪૯.૨૫ કરોડની સામે પૂર્ણ રકમની મંજૂરી મળેલ છે અને ગ્રાંટની ફાળવણી કરવામાં આવેલ છે. આમ, ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં અમરેલી જિલ્લો અગ્રેસર છે.

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં મંજૂર થયેલ આ વિકાસકામો થકી જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા અને નગરપાલિકા વિસ્તારોમાં નાગરિકોની સુખ-સુવિધાઓમાં વધારો થશે. સર્વાંગી વિકાસની નેમને સાકાર કરવા માટે મજબૂત બળ મળશે. પ્રભારી મંત્રીશ્રીએ ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત કાર્યરત વિકાસકામો ઝડપભેર આગળ ધપાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી અને પરસ્પર મજબૂત સંકલન સાથે જિલ્લાની વિકાસયાત્રાને આગળ ધપાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.

ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે,સૌના સાથ અને સહકારથી જિલ્લાની વિકાસયાત્રા આગળ ધપાવવાની નેમ સાકાર થઈ રહી છે. તેમણે  ચોમાસા પૂર્વે જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત તેમ જ રાજ્ય હેઠળના રોડ-રસ્તાઓનું જરૂરી રીસર્ફેસીંગ ઝડપભેર પૂર્ણ કરવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

જિલ્લા આયોજન મંડળ અંતર્ગત મંજૂર કરવામાં આવેલ રકમ દ્વારા થનારા વિકાસના કામોમાં સી.સી રોડ-રોડ, બ્લોક પેવીંગ રોડ, પાણીની પાઈપલાઈન, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ, કોઝ-વે, વોશીંગઘાટ, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ, જાહેર શૌચાલય સહિત વગેરે જેવા માળખાકીય અને જનસુખાકારીના કામોને આવરી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૫-૨૬માં મંજૂર કરવામાં આવેલા કામોના પ્રગતિ પત્રકો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારીશ્રી ચૌહાણે કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, અન્ય નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકીયા, જિલ્લા આંકડા અધિકારી શ્રી ડી.એ.ગોહિલ, જિલ્લા આયોજન અધિકારી શ્રી એન.બી.ચૌહાણ, માર્ગ અને મકાન રાજ્યના ના.કા.ઈ શ્રી ધોલાવાલા, અન્ય અધિકારીશ્રીઓ, બેઠકમાં વર્ચ્યુઅલી રીતે જોડાયેલ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિતના જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts