સાવરકુંડલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાયમી જળસંચય અને જળસંકટ નિવારણ માટે
મહત્વપૂર્ણ એવા સુકનરા ડેમને ₹109.62 લાખના ખર્ચે ઊંડો ઉતારવાના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના કરકમળે સંપન્ન થયું. આ યોજના અંતર્ગત ડેમમાંથી અંદાજે ૨૫,૦૦૦
મેટ્રિક ટન માટી ખોદકામ કરી ડેમને વધુ ઊંડો ઉતારવામાં આવશે.
સુકનરા ડેમ સાવરકુંડલા વિસ્તારની ‘જીવનદોરી’ સમાન છે. ડેમ ઊંડો ઉતારવાના કાર્ય પૂર્ણ થયા બાદ તેની
પાણી સંગ્રહ ક્ષમતા નોંધપાત્ર રીતે વધશે, જેના કારણે પાણીનું સ્તર ઉપર આવશે અને આસપાસના ગ્રામ્ય
વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધુ મજબૂત બનશે. આ યોજના ખેડૂતો માટે ખેતીમાં સ્થિરતા, ઉત્પાદન વૃદ્ધિ
અને આવક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સુકનરા ડેમને ભવિષ્યમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે તે માટે સૌની યોજના અંતર્ગત નર્મદા નદીના પાણીથી ડેમ
ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દિશામાં તાજેતરમાં જ ₹14 કરોડના ખર્ચે સૌની યોજના
પાઈપલાઈનના કાર્યનો શુભ આરંભ થયો છે, જે સાવરકુંડલા વિસ્તાર માટે ઐતિહાસિક પગલું સાબિત થશે.
સુકનરા ડેમ ઊંડો ઉતારવાની યોજના સાથે નવલીનાડી નદીના પુનર્જીવન માટેનું આયોજન પણ કરવામાં
આવી રહ્યું છે. આ સમગ્ર પ્રયાસો સાવરકુંડલા વિસ્તારના સર્વાંગી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને જળસંકટ
સામે લાંબા ગાળાના ઉકેલ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં
પાણી સંગ્રહ અને સિંચાઈ સુવિધાઓને મજબૂત બનાવવા સતત પ્રતિબદ્ધ છે.આ કાર્યક્રમમાં શહેર ભાજપ
સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં
કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments