વિકાસના નામે ભલે
આખું નગર શણગારશો,
પણ ઉખડી ગયેલા આશિયાનાનોય કંઈક વિચારશો.
નદી કિનારે ભવ્ય એ
રીવર ફ્રન્ટ તો બનશે જરૂર,
પણ ભૂખ્યા પેટે જે સૂતા,
એમના આંસુ ક્યારે લૂછશો?
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરના હૃદય સમાન અને મધ્યમાંથી પસાર થતા રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરથી લઈને રજકાપીઠ સુધીના વિસ્તારમાં ગતરોજ રાત્રિના સમયે તંત્ર દ્વારા એક મોટી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આદેશ અનુસાર સ્થાનિક પાલા ધારકોએ અગાઉથી જ સ્વેચ્છાએ પોતાની જગ્યાઓ ખાલી કરી દીધી હતી, જે બાદ ગતરાત્રિએ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને ત્યાં બાકી રહેલા ઓટલા અને અન્ય પાકા-કાચા બાંધકામોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા હતા.
તંત્રના જણાવ્યા અનુસાર, વર્ષો જૂના આ પાલા બઝારની જગ્યા ખાલી થતાં હવે આ વિસ્તારનો કાયાકલ્પ થશે. અહીં શહેરની સુંદરતામાં વધારો કરતો એક આધુનિક રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે, જેનાથી સાવરકુંડલાના વિકાસને નવી પાંખો મળશે.
બીજી તરફ, આ ડિમોલિશનના કારણે વર્ષોથી અહીં નાનો-મોટો વેપાર કરીને ગુજરાન ચલાવતા અનેક પાલા ધારકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને તેમની સામે આજીવિકાનું મોટું સંકટ ઊભું થયું છે. આ બાબતને લઈને શહેરના બુદ્ધિજીવીઓ અને અગ્રણીઓમાં વ્યાપક ચર્ચા જાગી છે. સ્થાનિક બુદ્ધિજીવીઓનું માનવું છે કે વિકાસ જરૂરી છે, પરંતુ તંત્રએ આ ગરીબ વેપારીઓ પ્રત્યે કૂણું વલણ અપનાવવું જોઈએ. માનવીય ધોરણે આ વિસ્થાપિતોને વહેલી તકે કોઈ વૈકલ્પિક અને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે, જેથી તેઓ ફરીથી સન્માનભેર પોતાની રોજીરોટી કમાઈ શકે તેવો સુચારુ હલ શોધવો અનિવાર્ય બન્યો છે.













Recent Comments