ભાવનગર

પ્રાકૃતિક કૃષિનું હૃદય – દેશી ગાય: જેના વિના પ્રાકૃતિક ખેતીની કલ્પના અધૂરી

ભારત કૃષિપ્રધાન દેશ છે અને અહીં કૃષિ માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવનપદ્ધતિ છે. આ
પરંપરાગત કૃષિ પ્રણાલીમાં દેશી ગાયનું સ્થાન અતિ વિશિષ્ટ અને પવિત્ર માનવામાં આવ્યું છે. વૈદિક
સાહિત્યથી લઈને આજની પ્રાકૃતિક કૃષિ સુધી ગાયને માત્ર દૂધ આપનાર પ્રાણી તરીકે નહીં, પરંતુ સંપૂર્ણ
કૃષિ વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.
મહાભારતનાં અનુશાસન પર્વમાં ગાયના સદગુણો અને ઉપયોગીતા વિષે વર્ણન કરવામાં આવ્યું છે
કે, ગાય પોતાના દૂધ, દહીં, અને ઘી વડે પ્રજાનું પાલન-પોષણ કરે છે. એનો પુત્ર એટલે કે બળદ કૃષિનું
કામ કરે છે, ભાર ઉઠાવે છે અને પોતાના શ્રમથી અનાજ, બીજ ઉત્પન્ન કરે છે. એનાથી જ યજ્ઞ સંપન્ન થાય
છે. ગાય અમૃત કળશ છે અને સમગ્ર વિશ્વ એની આગળ નતમસ્તક છે.
ઋગ્વેદમાં કહ્યું છે કે, गावो विश्वस्य मातरः એટલે કે ગાય વિશ્વની માતા છે. યજુર્વેદમાં કહ્યું છે કે,
गोस्तु मात्रा न विद्यते: એટલે કે ગાયની ઉપમા કોઈને પણ આપી શકાતી નથી. ભારતીય પરંપરામાં ગાયને
“ગૌમાતા” કહેવામાં આવી છે. ઋગ્વેદ અને અન્ય ગ્રંથોમાં ગાયને સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણનું પ્રતીક
માનવામાં આવે છે. આ ભાવના માત્ર ધાર્મિક નથી – તે ટકાઉ જીવનશૈલી અને કુદરત સાથે સહઅસ્તિત્વનો
સંદેશ આપે છે.

વિદેશી સંકર જાતની ગાયો મુખ્યત્વે વધુ દૂધ ઉત્પાદન માટે વિકસાવવામાં આવી છે, જ્યારે
ભારતીય દેશી ગાયો સ્થાનિક પર્યાવરણ, હવામાન અને ખેતી પદ્ધતિઓ સાથે સ્વાભાવિક રીતે સુસંગત છે.
દેશી ગાયનું મહત્ત્વ દૂધથી પણ વધારે તેનાં છાણ (ગોબર), ગૌમૂત્ર, દહીં અને ઘી માં સમાયેલું છે, જે
પ્રાકૃતિક કૃષિનો મૂળ આધારસ્તંભ છે.
જમીનની તંદુરસ્તી માટે દેશી ગાય વરદાનરૂપ
દેશી ગાયના છાણ (ગોબર)માં અગણિત લાભદાયી સૂક્ષ્મજીવો હોય છે, તે જમીનમાં જૈવિક કાર્બન
વધારવામાં મદદ કરે છે. માટીની રચના, ભેજ જાળવવાની ક્ષમતા અને ઉપજાઉ શક્તિ સુધારે છે. જ્યારે
ગૌમૂત્ર કુદરતી જીવાણુનાશક તરીકે કામ કરે છે, પાકમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે.
દેશી ગાય વગર પ્રાકૃતિક ખેતીની કલ્પના અધૂરી છે. દેશી ગાયનાં છાણ (ગોબર), ગૌમૂત્ર, ગોળ
અને દાળના લોટથી બનતું જીવામૃત જમીનમાં કરોડો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરે છે. આ સૂક્ષ્મજીવો જમીનને
જિવંત બનાવે છે અને છોડને જરૂરી પોષકતત્ત્વ પ્રાકૃતિક રીતે ઉપલબ્ધ કરાવે છે. બીજ વાવતાં પહેલાં તેને
દેશી ગાય આધારિત દ્રાવણથી શુદ્ધ કરવામાં આવે છે, જેથી ફૂગ અને રોગોથી રક્ષણ મળે છે. દેશી ગાયનાં
ગૌમૂત્ર અને ઔષધીય છોડમાંથી બનેલા દ્રાવણો જીવાત નિયંત્રણ, ફૂગજન્ય રોગોથી રક્ષણ માટે અસરકારક
માનવામાં આવે છે. આ પદ્ધતિઓથી રાસાયણિક જંતુનાશકોની જરૂરિયાત ઓછી થાય છે. જે જમીન, પાણી
અને માનવ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડના વૈજ્ઞાનિકોએ લાંબા સમય સુધી સંશોધન કરીને જર્સી અને હોલ્સ્ટન
ફ્રિઝિયન ગાયના દૂધને નામ એ-૧ આપ્યું તેમજ ભારતીય પ્રજાતિની દેશી ગાયના દૂધને એ-૨ નામ આપ્યું.
વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ એ-૧ દૂધ સ્વાસ્થ્ય તેમજ માનવ શરીર માટે હાનિકારક જણાયું, જયારે એ-૨ દૂધને
માનવ શરીરમાં રોગ પ્રતિકારકશક્તિ વધારનાર તથા સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવ્યું છે. આમ ભારતીય
પ્રજાતિની બધી દેશી ગાયોનું દૂધ, છાણ અને ગૌમૂત્ર અમૃત સમાન છે.
આજના સમયમાં જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, પાણી પ્રદૂષિત થાય છે અને ખેડૂતોનો ખેતી
ખર્ચ વધે છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ખર્ચ ઘટાડે છે, જમીનને ઉપજાઉ
બનાવે છે, ઝેરી અવશેષરહિત ખોરાક આપે છે. આ રીતે દેશી ગાય માત્ર એક પશુ નથી, પરંતુ કૃષિ
સ્વાવલંબન, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ સમાજ તરફ દોરી જતી શક્તિ છે.
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ટેકનિક નથી, તે વિચારધારા છે – અને આ વિચારધારાના કેન્દ્રમાં દેશી ગાય
છે. તેના છાણ (ગોબર), ગૌમૂત્રથી જમીન, પાક, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનું સંતુલન જળવાઈ
રહે છે. દેશી ગાય એટલે જીવંત ખાતર ફેક્ટરી, કુદરતી ઔષધાલય અને ટકાઉ ખેતીનું હૃદય છે.

Related Posts