અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સગર સમાજ અમરેલી દ્વારા અભિવાદન કરાયું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સમસ્ત સગર સમાજ, અમરેલી દ્વારા ત્રિમંદિર ખાતે અભિવાદન કરાયું હતું. વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે અમરેલી આવેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરનાં ત્રિમંદિર ખાતે શ્રી સીમંધર સ્વામીનાં ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું.

આ વેળાએ ત્રિમંદિર ખાતે સમસ્ત સગર સમાજ અમરેલી દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણીશ્રીઓનું સન્માન કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દરેક સમાજને સાથે રાખીને ચાલે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓના ફળ પહોંચી રહ્યાં છે. ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સંકલ્પને આપણે સૌએ સાથે મળીને સાર્થક કરવાનું છે.

તેમણે ઉમેર્યું હતું કે, પરિવારની તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે સંતાનોને શિક્ષિત કરવા જોઈએ. સરકારની શૈક્ષણિક યોજનાઓથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર, એન્જિનિયર બનતા થયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશમાં આયુષ્યમાન ભારત યોજના, લખપતિ દીદી યોજના સહિત જન કલ્યાણકારી યોજનાઓથી નાના પરિવારની ચિંતા દૂર થઈ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવીને સગર સમાજનાં સમાજ શ્રેષ્ઠીઓનાં કાર્યને બિરદાવ્યા હતાં.

આ પ્રસંગે ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સગર સમાજનાં અગ્રણીઓશ્રી સુરેશભાઈ પાથર, શ્રી ધર્મેશભાઈ, શ્રી વિશાલભાઈ, શ્રી સંજયભાઈ લાખાણી, શ્રી નાનજીભાઈ, શ્રી ધીરુભાઈ સહિત સમાજ શ્રેષ્ઠીઓની સરાહનીય કામગીરીને સ્ટેજ પરથી બિરદાવી હતી.

આ સાથે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દરેક સમાજને સાથે લઈને “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સૂત્રને સાર્થક કરી રહી છે. ત્યારે છેવાડાનાં અંતિમ વ્યક્તિ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોચે તે માટે વધુ કાર્યરત રહેવા અપીલ કરી હતી.

આ તકે ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે નાના અને મધ્યમવર્ગીય પરિવારોનો ધંધાકીય અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યરત અનેક જન કલ્યાણકારી યોજનાઓથી નાગરિકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

આ કાર્યક્રમમાં સમસ્ત સગર સમાજ અમરેલી દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી. કાકડિયા, શ્રી જનકભાઈ તળાવીયા સહિત અગ્રણીશ્રીઓ તેમજ સગર સમાજનાં સમાજ શ્રેષ્ઠીઓ અને બહોળી સંખ્યામાં સગર સમાજનાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts