રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડિજિટલ અને સ્વચ્છ ભારતના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ સાવરકુંડલા નગરપાલિકાના પાપે આ અભિયાનના લીરેલીરા ઊડી રહ્યા છે. શહેરમાં કરોડોના ખર્ચે બનેલા પ્રોજેક્ટ્સની જાળવણીમાં પાલિકા તંત્રને કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યું છે. તાજો મામલો ધારાસભ્યના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા નાવલી રિવરફ્રન્ટ અને સંઘેડિયા બજાર પાસેનો છે, જ્યાં મહિલા અને પુરુષો માટે મુકાયેલા જાહેર શૌચાલયોના દરવાજા જ ગાયબ છે! ૫૦૦ ફૂટ દૂરથી જ ખુલ્લા દેખાતા આ શૌચાલયોનો ઉપયોગ મહિલાઓ કઈ રીતે કરે? તે મોટો સવાલ છે.
જાહેર મિલકતો પર ‘છુમંતર’નો ખેલ: ગુમસુદા વસ્તુઓની યાદી લાંબી
શહેરમાં કોઈ અસામાજિક કે ટીખળખોર તત્વો દ્વારા દરવાજા ગાયબ કરી દેવાયા હોય તેવી ચર્ચા છે. સાવરકુંડલામાં આવી ‘ગુમસુદા’ વસ્તુઓની યાદી ખૂબ લાંબી છે:
પુલની રેલિંગો: ભૂતકાળમાં પુલ પરથી લોખંડની રેલિંગો ગાયબ થઈ ચૂકી છે.
સુધરાઈ માર્કેટના દ્વારે અડીખમ ઊભેલા ટાવરના કાંટા પણ વર્ષોથી ગાયબ છે.
જૂના બસ સ્ટેન્ડ પાસે બનેલા આધુનિક શૌચાલયમાંથી વોશ બેસિન અને નળ પણ ચોરાઈ ગયા છે.
જૂના જનતા બાગમાં જીમના સાધનો, હિંચકા અને લપસણીઓ તૂટેલી હાલતમાં તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાય છે. સાવરકુંડલા શહેરનું એક વખત નગરપાલિકા બિલ્ડિંગ માટે બનેલું આલીશાન ઈમારતમાં આજે જીર્ણશિર્ણ હાલત અને કબૂતરા આંટા મારે છે. હા, અને મહુવા રોડ પર મામલતદાર કચેરી સામે આવેલ સિનિયર સિટીઝન પાર્ક પણ તાળાબંધીની કેદમાં.!! અને બરોબર તેને લગીને રહેલી ફૂટપાથ પર દબાણ..! (સ્થાઈ કે અસ્થાઈ દબાણ હોય એટલે લોકો તેના પર ચાલી કેવી રીતે શકે?) હા આતો હજુ પાશેરામાં પૂણી છે.. આવી અનેક અસુવિધાઓનો કઠણ કાળજે નાવલીના ખમીર ધરાવતા સાવરકુંડલાના શહેરીજનો ભોગવી રહ્યા છે.!
શહેરની ફૂટપાથો પર લોકો ચાલી શકે તેવી સ્થિતિ જ નથી. ફૂટપાથ પર ખુલ્લેઆમ વાહનો પાર્ક થાય છે તો ક્યાંક વાહન ધોવાના વ્યવસાયો ધમધમે છે. મહુવા રોડ પર નાગરિકોએ કંટાળીને “અહીં વાહન પાર્ક કરવા નહીં” ના બોર્ડ મારવા પડ્યા છે, છતાં તંત્ર પાસે આ અંગે કોઈ ચુસ્ત પોલિસી નથી.
શહેરના મોટાભાગના જાહેર યુરિનલની સ્થિતિ એટલી હદે બદતર છે કે સામાન્ય નાગરિક તેમાં માંડ-માંડ પ્રવેશી શકે છે. અંદર પગ મૂકતા જ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો ક્યારેક વિસ્તારના સાંસદ, ધારાસભ્ય કે નગરપાલિકા પ્રમુખ પોતે આ શૌચાલયનો ઉપયોગ કરે, તો જ તેમને સામાન્ય જનતાની હાલાકીનો અહેસાસ થાય. એરપોર્ટ પર કાચ જેવી સ્વચ્છતા રખાતી હોય તો સાવરકુંડલાના કરદાતા નાગરિકોને માત્ર ગંદકી અને દરવાજા વગરના શૌચાલયો કેમ નસીબ થાય?
જાગૃત નાગરિકોની માંગ છે કે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળા જે રીતે શહેરના મોટા પ્રોજેક્ટ્સ (રીવર ફ્રન્ટ, અટલ સરોવર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ) માં રસ લઈ રહ્યા છે, તેવી જ રીતે પાલિકાના સત્તાધીશોને કડક સૂચના આપીને આ પાયાની સુવિધાઓનું મેઈન્ટેનન્સ કરાવે. નહિતર આ નવા કરોડોના પ્રોજેક્ટ્સની હાલત પણ અન્ય જાહેર સ્થાનો જેવી થતાં વાર નહીં લાગે.
















Recent Comments