ત્યાગ, તિતિક્ષા અને કર્તવ્યનિષ્ઠાની તપોમૂર્તિ સમાન સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવનારને જો “સરદાર રત્ન” જેવા સન્માન આપવામાં આવે, તો સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય કે સરદારના વિચારો અને સિદ્ધાંતોની સાચી સમજ ક્યાં છે?“જેનો નિર્ણય અફર, તેની સફર સફળ.”પ્રશ્નો વિનાનું જીવન પશુસમાન છે. જીવનમાં પ્રશ્નો ઊભા થતા રહેવાના અને તેનો સામનો કરીને ઉકેલ લાવવાનો હોય છે. સરદાર પટેલે પોતાના કર્તવ્યપાલન અંગે શંકા કે વિરોધ વચ્ચે પણ ભારતની એકતાનું અદભુત કાર્ય કરી બતાવ્યું. તેમની મુત્સદ્દીગીરી અને દૃઢ નિશ્ચય આજે પણ પ્રેરણારૂપ છે.સરદારનું ભૌતિક અસ્તિત્વ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો અને કાર્યો તેમને સદાકાળ જીવંત રાખે છે. સાચા મહાપુરુષોને અમર બનાવે છે તેમનાં કર્મો—નામના પાટિયા નહીં.પોતાની લીટી લાંબી કરવા માટે મહાપુરુષોના નામ અને સ્મૃતિચિહ્નો દૂર કરવાનો પ્રયાસ કોઈને વિરાટ બનાવતો નથી. વારંવાર નામો અને નીતિઓ બદલવી એ પ્રજાના મૂળ પ્રશ્નોના ઉકેલનો વિકલ્પ બની શકે નહીં. પ્રજાનું કલ્યાણ કરવા માટે લાંબા ગાળાની વિચારસરણી, દૃઢ નીતિ અને પરિણામલક્ષી કામગીરી જરૂરી છે.સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી પોતાનું નામ મૂકનાર સામે ભારે વિરોધ થયો હોવા છતાં, જો સરદારના કહેવાતા વંશજો કે તેમના નામે કાર્યરત લોકો દ્વારા આવા વ્યક્તિનું સન્માન કરવામાં આવે, તો પ્રશ્ન ઊભો થાય છે કે આ સન્માન સરદારના વિચારો અને સિદ્ધાંતો સાથે કેટલું સુસંગત છે? સરદારે સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્રીય હિતને હંમેશાં મહત્વ આપ્યું હતું. તેથી તેમના નામનો ઉપયોગ કરતાં પહેલાં તેમના વિચારો અને આદર્શોનું અનુસરણ કરવું વધુ જરૂરી છે.આ જ વાત ડૉ. મનમોહનસિંહના સંદર્ભમાં પણ લાગુ પડે છે. વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન તરીકે તેમના આર્થિક વિચારો અને કાર્યનો આજે પણ અભ્યાસ થાય છે. તેમને ઉપહાસપૂર્વક સંબોધનારા રાજકારણીઓએ પણ તેમના શાસનકાળની નીતિઓ અને યોજનાઓનું મૂલ્યાંકન તથ્યોના આધારે કરવું જોઈએ.દેશમાં શરૂ થયેલી અનેક લોકકલ્યાણકારી યોજનાઓ માત્ર સરકાર બદલાઈ એટલે નામ, સ્વરૂપ કે નીતિ બદલવાના રાજકારણમાં ન ફસાવવી જોઈએ. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ 108 જેવી ઇમરજન્સી આરોગ્ય સેવા, ડો મનમોહનસિંહ ની દેન છે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના જેવી પહેલોના મૂળ ઉદ્દેશો—રોજગારી, આરોગ્યસેવા, ગરીબી નિવારણ અને ગ્રામિણ જીવનધોરણમાં સુધારો—સૌથી મહત્વપૂર્ણ છે.સરકારો બદલાય ત્યારે યોજનાઓની સમીક્ષા થવી સ્વાભાવિક છે; પરંતુ જો કોઈ યોજના લાખો લોકોના જીવન સાથે જોડાયેલી હોય, તો તેના નામ કે રાજકીય ઓળખ કરતાં તેના પરિણામો, બજેટ, ઉપયોગિતા અને પ્રજાને મળતા લાભને પ્રાથમિકતા મળવી જોઈએ.વિદેશનીતિમાં પણ ભાવનાથી વધુ દુરંદેશી અને રાષ્ટ્રીય હિતનું મહત્વ છે. કોઈપણ દેશ સાથેના સંબંધો અંગે નિર્ણય લેતી વખતે ભારતના લાંબા ગાળાના વ્યૂહાત્મક, આર્થિક અને સુરક્ષા હિતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર લેવાયેલા નિર્ણયોનું મૂલ્યાંકન પણ તથ્યો અને રાષ્ટ્રીય હિતના માપદંડથી થવું જોઈએ.સરદાર પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાપુરુષોની ઊંચાઈ તેમના નામ કે સ્મારકોને કારણે નહોતી; તેમના જીવન, ત્યાગ, વિચાર અને કર્મોએ તેમને વિરાટ બનાવ્યા.તેમની લીટી નાની કરીને કોઈ મોટું બની શકતું નથી.તેમના કરતા
લીટી લાંબી કરવી હોય તો તેમના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા પડે.મહાપુરુષોના નામનો રાજકીય ઉપયોગ કરવો સહેલો છે; પરંતુ તેમના આદર્શો પ્રમાણે શાસન કરવું, પ્રજાના પ્રશ્નોનો સામનો કરવો, દૃઢ નિર્ણય લેવો અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવું—એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.પ્રશ્નોથી ભાગી જનાર પલાયનવાદી બની શકે; પ્રશ્નોનો સામનો કરી તેનો ઉકેલ લાવનાર જ સાચો મુત્સદ્દી અને લોકસેવક બની શકે.



















Recent Comments