અમરેલી

અમરેલી જિલ્લામાં ‘વિકસિત ભારત ૨૦૪૭’ થીમ પર તાલુકા કક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાઓ સંપન્ન

 દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ‘વિકસિત ભારત@૨૦૪૭’ અને ‘સેવા અને સુશાસનના ૨૫ વર્ષ’ વિષય પર ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા કક્ષાએ યોજાયેલી આ પ્રારંભિક સ્પર્ધાઓમાં જે-તે શાળામાં પ્રથમ નંબર મેળવી વિજેતા બનેલા તેજસ્વી બાળકોને તાલુકા કક્ષાએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી હતી. આ અંતર્ગત આજરોજ જિલ્લાના તમામ તાલુકા મથકો પર તાલુકા કક્ષાની સ્પર્ધાનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

તાલુકા કક્ષાની આ સ્પર્ધાઓમાં બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે જિલ્લાના લોકપ્રિય જનપ્રતિનિધિઓએ વિશેષ હાજરી આપી હતી. અમરેલી તાલુકાની સ્પર્ધામાં સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરીયાએ ખાસ ઉપસ્થિત રહીને સ્પર્ધક બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને દેશના વિકાસમાં તેમના વિચારોના મહત્વને બિરદાવ્યું હતું.

આ જ રીતે, ધારી તાલુકાની સ્પર્ધામાં ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાએ પ્રેરણાદાયી હાજરી આપી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર જિલ્લામાં આ વિશિષ્ટ સ્પર્ધાઓનું આયોજન વિદ્યાર્થીઓની વયજૂથને ધ્યાનમાં રાખીને કુલ ત્રણ અલગ-અલગ જૂથમાં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ જૂથમાં ધોરણ ૬ થી ૮ ના બાળકો, દ્વિતીય જૂથમાં ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ તેમજ તૃતીય જૂથમાં ધોરણ ૧૧ અને ૧૨ ના ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ત્રણેય જૂથના વિદ્યાર્થીઓએ ચિત્રકલા દ્વારા વિકસિત ભારતની સુંદર કલ્પનાઓ કેનવાસ પર ઉતારી હતી અને વકૃત્વ સ્પર્ધા દ્વારા સુશાસનના વિવિધ પાસાઓ પર પોતાના પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા.

આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં કડક મૂલ્યાંકનને અંતે તમામ જૂથમાં પ્રથમ નંબર મેળવનાર વિજેતા બાળકો હવે જિલ્લા કક્ષાએ પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ વિજેતા સ્પર્ધકોએ આગામી તા. ૦૩ ઓક્ટોબરના રોજ અમરેલીની દીપક હાઇસ્કૂલ ખાતે યોજાનારી મહત્વપૂર્ણ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નિયત સમયે હાજર રહેવાનું રહેશે. જિલ્લા કક્ષાની આ અંતિમ સ્પર્ધાને લઈને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટી તંત્રમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related Posts