અમરેલી

લુપ્ત થતી પરંપરાગત કળાને કીડી ગામે જીવંત રાખી: 70 વર્ષથી હાથથી તૈયાર થાય છે ઊનના ધાબળા

આધુનિક ટેકનોલોજીના યુગમાં પરંપરાગત હસ્તકળાઓ ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામમાં આજે પણ બાપ-દાદાની પરંપરાગત હાથ બનાવટની કળાને જીવંત રાખવામાં આવી છે. અહીં આજે પણ ઊનમાંથી હાથ વડે ધાબળા તૈયાર કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે ધાબળા બનાવવાની સમગ્ર પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજી કે મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી.

કીડી ગામના તેજાભાઈ દાણા છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરાગત કળા સાથે જોડાયેલા છે. તેઓ જણાવે છે કે તેમના બાપ-દાદાના સમયથી ચાલતી આવતી આ કળાને તેમણે આજે પણ જાળવી રાખી છે. ઊનમાંથી હાથ વડે દોરા તૈયાર કરી અને ત્યારબાદ તેના ગુંથણ કામથી ધાબળા બનાવવામાં આવે છે. એક ધાબળો તૈયાર કરવામાં અંદાજે ત્રણ દિવસ જેટલો સમય લાગે છે.

તેજાભાઈના જણાવ્યા અનુસાર, અગાઉના સમયમાં તૈયાર ઊન કે આધુનિક સાધનો ઉપલબ્ધ ન હતા. ત્યારે તેઓ જાતે જ ઊનમાંથી દોરા બનાવતા અને ત્યારબાદ હાથથી ધાબળાનું ગુંથણ કામ કરતા. સમય બદલાયો, ટેકનોલોજી આવી, મશીનથી ઝડપથી ઉત્પાદનો બનવા લાગ્યા, તેમ છતાં તેમણે પોતાની પરંપરાગત કળા છોડવાને બદલે તેને આગળ ધપાવવાનું પસંદ કર્યું.

હાથથી તૈયાર કરવામાં આવતા આ ધાબળાની કિંમત ગુણવત્તા અને કદ પ્રમાણે અંદાજે 1200થી 1500 રૂપિયા સુધી હોય છે. એક ધાબળો તૈયાર કરવા બદલ તેમને આશરે 500 રૂપિયા મજૂરી મળે છે. આ ધાબળા માત્ર કીડી ગામ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ વેચાણ માટે પહોંચે છે.

આ હસ્તકળા માત્ર રોજગારીનું સાધન નથી, પરંતુ પેઢીઓથી ચાલી આવતી પરંપરા અને ગ્રામ્ય સંસ્કૃતિનો એક મહત્વનો હિસ્સો છે. આજે જ્યારે મશીનથી તૈયાર થતા ઉત્પાદનો બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, ત્યારે કીડી ગામના તેજાભાઈ જેવા કારીગરો પોતાના હાથની મહેનતથી પરંપરાગત કળાને જીવંત રાખી રહ્યા છે.

લગભગ 70 વર્ષથી આ કળા સાથે જોડાયેલા તેજાભાઈ દાણા માટે હાથ બનાવટના ધાબળા માત્ર એક ઉત્પાદન નથી, પરંતુ તેમના પૂર્વજોની વારસાગત કળા છે. આ પ્રકારની પરંપરાગત હસ્તકળાને પ્રોત્સાહન મળે તો ગ્રામ્ય વિસ્તારોની જૂની કળાઓને નવી પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળી શકે છે.

Related Posts