સાવરકુંડલા તાલુકાના જુના સાવર મુકામે આવેલ શિક્ષણ ધામ શ્રીમતી ટી. કે. પારેખ હાઈસ્કૂલ ખાતે આજે તારીખ ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા (આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ અને પ્રોટોકોલ – સ્વતંત્ર હવાલો) તેમજ સાવરકુંડલા-લીલીયા ક્ષેત્રના માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાએ શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મહાનુભાવોના આગમન પર શાળા પરિવાર દ્વારા તેમનું ભાવભીનું અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન શાળાના આચાર્યશ્રી આશિષકુમાર એમ. જોશી તથા શિક્ષકગણ દ્વારા શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમતગમત તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવતા વિવિધ પ્રકલ્પો વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.
મુલાકાતને યાદગાર બનાવતા મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીએ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના અભ્યાસ, રસ-રુચિ અને ભવિષ્યના લક્ષ્યો વિશે જાણકારી મેળવી હતી. મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી; જીવનમાં શિસ્ત, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ જેવા મૂલ્યો કેળવીને શ્રેષ્ઠ નાગરિક બનવું એ જ સાચું શિક્ષણ છે.
શાળા પરિવારમાં આનંદનો માહોલ
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી આશિષકુમાર એમ. જોશીએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માન્યો હતો. રાજ્યના મંત્રીશ્રી અને સ્થાનિક ધારાસભ્યશ્રીની આ મુલાકાતથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારમાં એક નવો ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર થયો હતો.


















Recent Comments