અમરેલીના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી સંપન્ન

અમરેલીના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આજે અમરેલીના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રી કિસાન સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાના જિલ્લાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકે કાર્યક્રમો યોજાયા
કિસાન કલ્યાણ માટે સંકલ્પબદ્ધ રાજય સરકારે મુખ્યમંત્રી સાત પગલા ખેડુત કલ્યાણના કાર્યક્રમો અમલી કર્યા છે. સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે તા.૨૫ ડિસેમ્બરે સુશાસન દિન ઉજવવામાં આવે છે.
સુશાસન દિન નિમિત્તે રાજયભરમાં સાત પગલા ખેડુત કલ્યાણના લાભાર્થીઓ અને ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સાધનસામગ્રી અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેના ભાગરૂપે અમરેલીના લીલીયા રોડ પર સ્થિત નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને અન્ન, નાગરીક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી.
રાજયની ગતિશીલ અને નિર્ણયશીલ સરકારે ખેડુતોને પ્રોત્સાહન આપવા સકારાત્મક અભિગમ દાખવી કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી છે. ખેડુતોને ઓછા ખેતી ખર્ચ સાથે વધુ આવક થાય તેવા હિતકારી નિર્ણયો કર્યા છે. ખેડુત તથા રાજય-રાષ્ટ્રની સમૃધ્ધિમાં ઉમેરો થાય તેવા હેતુ સાથે પ્રાકૃત્તિક કૃષિ અને પશુપાલન સહિતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી કિસાન સહાય કાર્યક્રમ રાજયભરમાં અમલી છે. ઉલ્લેખનીય છે કે, સુશાસન દિન નિમિત્તે અમરેલીના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર સહિત જિલ્લાભરમાં તમામ તાલુકા મથકે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી કિસાન સહાય અને જુદી-જુદી કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ મુખ્યમંત્રી કિસાન સહાય કાર્યક્રમ તથા વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને મંજૂરીપત્ર આપી લાભાન્વિત કર્યા હતા.
ડિજિટલ માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરી કૃષિ કાયદા વિશે માહિતી આપી હતી. તેમણે દેશના વિવિધ પ્રાંત-રાજયના કૃષિકારો સાથે સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશના આશરે ૯ કરોડ ખેડુતોના બેંક એકાઉન્ટમાં સીધી આશરે રૂ.૧૮,૦૦૦ કરોડની રકમ ખેડુતોને આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ડિજિટલ માધ્યમથી જોડાયા હતા. તેમણે સૌની યોજના અને કૃષિ કલ્યાણના કાર્યક્રમો વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે સમતોલ વિકાસ માટે કેન્દ્ર અને રાજય સરકારે કલ્યાણકારી કાર્યક્રમો અમલી કર્યા છે. રાજયના ૨૪૮ તાલુકાઓમાં સામૂહિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કોરોના વિષયક તથા ઇ-સેવાસેતુ અને કૃષિ કલ્યાણ સંબંધિત ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ખેડુતોએ ઓર્ગેનિક સહિત ખેત ઉત્પાદનોના પ્રદર્શન-નિદર્શન સ્ટોલ્સ ગોઠવ્યા હતા.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ ખેતીવાડી, બાગાયત, પશુપાલન કચેરીના અધિકારી-કર્મચારીશ્રીઓ તથા ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમરેલી ઉપરાંત જિલ્લાનાં તમામ તાલુકા મથકે મહાનુભાવોએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કર્યુ હતુ.
Recent Comments