આજથી દિલ્હી-કટરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ થશે

ભારતીય રેલવેએ માતા વૈષ્ણોદેવીના ભક્તોને નવા વર્ષની ભેટ આપી છે. રેલવે ૧ જાન્યુઆરી ૨૦૨૧ એટલે કે આવતીકાલથી નવી દિલ્હી-કટરાની વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ફરીથી શરૂ કરવા જઈ રહી છે. કોવિડ-૧૯ મહામારીને કારણે આ ટ્રેનને માર્ચમાં બંધ કરવામાં આવી હતી. વંદે ભારત એક્સપ્રેસ શરૂ થયા બાદ ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ શકશે.
રેલવેમંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ ટ્રેનને શરૂ કરવાની જાણકારી આપી છે. ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, દિલ્હીથી કટરા સુધી માં વૈષ્ણોદેવીની યાત્રા કરાવતી વંદે ભારત એક્સપ્રેસ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ફરીથી પોતાની સેવાઓ શરૂ કરશે. માતાના તમામ ભક્તો અને યાત્રાળુઓનું સ્વાગત કરવા ભારતની આધુનિક ટ્રેન ફરી એકવાર તૈયાર છે. જય માતા દી.
નવી દિલ્હીથી કટરાની વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રીએ ૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ કરી હતી. ૫ ઓક્ટોબરથી મુસાફરો માટે તેની રેગ્યુલર સેવા શરૂ થઈ હતી. કોવિડ-૧૯ મહામારીને કારણે આ વર્ષે માર્ચમાં વંદે ભારત એક્સપ્રેસને બંધ કરવામાં આવી હતી. તે ઉપરાંત નવી દિલ્હી-બનારસની વચ્ચે પણ વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન થાય છે.
Recent Comments