ભાવનગર

ભાવનગરના રૂવા ખાતે મહિલાઓ માટે ગ્રામ સ્વરોજગારી કેન્દ્ર બનાવવામાં આવશે

સમગ્ર રાજ્યમાં ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ ચાલી રહી છે તે અંતર્ગત ભાવનગરનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્ત સાથે ખાસ ધ્યાન ખેંચે તેવી કોઇ બાબત હોય તો તે ભાવનગરના રૂવા ખાતે ગ્રામીણ નારી શક્તિએ આત્મનિર્ભર બનાવવાની દિશા તરફ દોરી જતું ’ ગ્રામ સ્વરોજગારી કેન્દ્ર’ નું નિર્માણ છે. આ કેન્દ્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને એસ.બી.આઇ. બેંકના સહયોગથી બનાવવામાં આવશે.

આજરોજ ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં rseti ના આ કેન્દ્રનું ડિજિટલી ખાતમુહુર્ત કર્યું હતું.

આશરે રૂા. ૨ કરોડના ખર્ચે ગ્રામીણ મહિલાઓ કૌશલ્યથી સજ્જ કરતું આ આધુનિક તાલીમ કેન્દ્ર બનાવવામાં આવનાર છે. આનાથી મહિલાઓ આવક વધશે અને મહિલાઓ પણ ઘરની જવાબદારી ઉઠાવીને ઘર ચલાવવામાં અને તે દ્વારા બાળકોને સારાં શિક્ષણ અને તકો આપવાં માટે આર્થિક રીતે પગભર બની શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લી. દ્વારા રાજ્યમાં સખીમંડળો બનાવીને મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કાર્ય કરે છે. ગ્રામીણ તાલીમ સંસ્થા દ્વારા અગરબત્તી, મીણબત્તી અન્ય ઘર વપરાશની ચીજો બનાવવાનું શીખવાડીને મહિલાઓ પણ પુરૂષ સમોવડી બને અને તેને કોઇની સામે હાથ ન ફેલાવવો પડે તેવી આત્મનિર્ભર બનાવવાં માટે આ કેન્દ્રો ઉપયોગી બન્યાં છે. અનેક મહિલાઓ આવી તાલીમ મેળવીને આત્મનિર્ભર બનીને સ્વમાનભેર સમાજમાં જીવી રહી છે.

એક રીતે આ આત્મનિર્ભર નહીં પરંતુ નારીને સાચું આત્મસન્માન બક્ષનારું કેન્દ્ર બની રહે અને મહિલાઓ પણ સકલ ઘરેલું ઉત્પાદનમાં તેમનું યોગદાન આપે તે માટે આવાં વિવિધ તાલીમ કેન્દ્રોની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ડે. મેયરશ્રી કૃણાલકુમાર શાહ, ધારાસભ્યશ્રી આત્મારામભાઇ પરમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts