પથ પર એ વડીલોને સથવારો મળી જાય,
બે ઘડી પોરો ખાવા જો બાંકડો મળી જાય.
મુશ્કેલી નિવારીને જો અહીં
ટ્રેક બને સુંદર,
તો ચાલનારા આ ચરણોને
નવો માર્ગ મળી જાય.
–“પાંધી સર”
સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ના સદસ્ય શ્રીમતી જયશ્રીબેન બી. ભરાડ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સંદર્ભે એક મહત્વનો પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, સાવરકુંડલાનો મુખ્ય અને ગૌરવવંતો માર્ગ ગણાતા હાથસણી રોડ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ (વૃદ્ધો), બહેનો-દીકરીઓ અને પરિવારો વહેલી સવારે તથા મોડી સાંજે વોકિંગ માટે નીકળે છે. આ માર્ગ ખૂબ પહોળો છે અને તેની બંને બાજુએ પૂરતી જગ્યા (માર્જિન) પણ ઉપલબ્ધ છે. પરંતુ પ્રોપર વોકિંગ ટ્રેક ન હોવાને કારણે નાગરિકોને મુખ્ય રોડ પર ચાલવું પડે છે, જેના લીધે સતત અકસ્માતનો ભય રહે છે. સાથોસાથ, ચાલવા નીકળતા વડીલો માટે આ સમગ્ર માર્ગ પર ક્યાંય આરામ કરવા માટે બાંકડા (બેન્ચીસ) ની વ્યવસ્થા નથી.
લોકોની આ તકલીફને વાચા આપતા લોક પ્રતિનિધિ જયશ્રીબેન ભરાડે માંગણી કરી છે કે, સરકારી વસાહતથી લઈને આંખની હોસ્પિટલ સુધીના આ માર્ગ પર નગરપાલિકાની ટેકનિકલ ટીમ દ્વારા સત્વરે સ્થળ-નિરીક્ષણ (સર્વે) કરાવવામાં આવે. તેમજ આગામી આયોજનમાં અગ્રતા આપીને અહીં સુવ્યવસ્થિત ‘વૉકિંગ ટ્રેક’ અને ‘બાંકડા’ ની સુવિધા ઊભી કરવામાં આવે, જેથી વડીલોને ભયમુક્ત અને સુંદર વાતાવરણ મળી રહે.
આ સંવેદનશીલ પ્રશ્નને સકારાત્મક રીતે સ્વીકારીને નગરપાલિકા ત્વરિત વહીવટી મંજૂરી આપે અને આ બાબતે થયેલી પ્રક્રિયાની લેખિત જાણ કરે તેવી અપેક્ષા પણ પત્રના અંતે વ્યક્ત કરવામાં આવી છે.
















Recent Comments