વલસાડમાં ટ્રક ચાલકની બેદરકારીથી ક્લિનરનું કમકમાટીભર્યું મોત

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડા ગામે એક વજન કાંટા પર વજન કરવા આવેલા એક ટ્રકના ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવતા ટ્રકના ક્લિનરનું ટાયર નીચે આવી જતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ટ્રકના ચાલકની બેદરકારીને કારણે ટ્રકના ટાયર નીચે એ જ ટ્ર્કના ક્લિનરના કમકમાટી ભર્યાં મોતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે ગઈ ૧૪મી તારીખે પારડી તાલુકાના ઓરવાડા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા દેસાઈ વજન કાંટા પર રાત્રે મહારાષ્ટ્રના ધૂલીયાના ટ્રકના ચાલક અને ક્લિનર ટ્રક લઈને આવ્યા હતા. વજન કાંટા પર લાવ્યા બાદ ટ્રકના ચાલક શિવદાસ નાયક અને ટ્રકના ક્લિનર મનોહર નાયક નીચે ઉતર્યા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી ટ્રકનો ચાલક શિવદાસ નાયક ટ્રકની સીટ પર બેસી ગયો હતો અને ટ્રકને આગળ વધાર્યો હતો.
આ વખતે ટ્રકની બીજી બાજુમાં ઊભેલા ટ્રકના ક્લિનર પર ટ્રક ચાલકનું ધ્યાન ગયું ન હતું. ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રકને હંકારતા ક્લિનર ટ્રકની બીજી સાઇડ પરથી નીચે પડી ગયો હતો. ત્યાર બાદ ગણતરીની સેકન્ડમાં જ ટ્રકનો ક્લિનર તેની ટ્રક નીચે આવી ગયો હતો. સામાનથી ભરેલા વજનદાર ટ્રકના ટાયર ક્લિનર મનોહર નાયક પર ફરી વળતાં તેનું ગણતરીની સેકન્ડમાં જ ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Recent Comments