અમરેલી

અરીસાની આરપાર: પ્રકૃતિનો અનોખો ખેલ અને માનવ જીવનનું સનાતન સત્ય

ખુદની જ સામે ખુદ 

સગા થઈને લડી રહ્યા,

જાણે ખુદ અરીસાને જ 

શત્રુ સમજી નડી રહ્યા.

​આવ્યા હતા જે ધૂંધમાંથી, 

એ ધૂંધમાં જ ભળશે,

માટીના આ ચોળા 

અહીં ભ્રમમાં સડી રહેશે

–“પાંધી સર”

આજરોજ વહેલી સવારે સાડા છ વાગ્યે સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર પ્રકૃતિની એક અદ્ભુત અને કૂતુહલ જગાડે તેવી લીલા જોવા મળી હતી. રોજની જેમ મોર્નિંગ વોક પર નીકળેલા અખબારના જાણીતા પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધીની તીક્ષ્ણ નજરે એક એવો નજારો ઝડપી લીધો જે જોનારને ક્ષણભર વિચારતા કરી મૂકે. રસ્તા પર પાર્ક કરેલી એક મોટરસાઇકલના સાઇડ મિરર (અરીસા) પર એક નિર્દોષ બુલબુલ પક્ષી આવીને બેઠું હતું.

સવારના સુંદર અને આહલાદક વાતાવરણમાં રેડિયો પર ‘મોસમ હૈ આશિકાના…’ ગીત ગુંજી રહ્યું હતું, ત્યારે આ પક્ષી અરીસામાં દેખાતા પોતાના જ હૂબહૂ પ્રતિબિંબને નીહાળી રહ્યું હતું. કૂતુહલ બંને તરફ હતું! પરંતુ, પોતાની જ પ્રતિકૃતિને અન્ય પક્ષી અથવા શત્રુ સમજી બેસવાની નાદાનીમાં પક્ષીમાં એક અજીબ ફફડાટ જોવા મળ્યો. સંયમના પ્રતિબંધ સાથે જાણે ખુદની ખુદ સાથે જ એક અજીબ લડાઈ શરૂ થઈ ગઈ અને અરીસા સામે જ સદેહ તુમુલ યુદ્ધના મંડાણ મંડાયા.

આ દ્રશ્ય માત્ર એક પક્ષીની નાદાની પૂરતું સીમિત નથી, પરંતુ વર્તમાન રાજકીય પરિપ્રેક્ષ્ય અને માનવ સંસારના ફસાના સાથે આબેહૂબ બંધ બેસે છે. માણસ પણ આ જ રીતે અજ્ઞાનતાના પાંજરામાં કેદ છે, જેમાંથી મુક્ત થવાની આઝાદી તેની પાસે નથી. એક ભ્રમમાં જીવવાનું અને એ જ ભ્રમમાં મરી જવાનું! અંતે તો આ માટીનું ચોળું માટીમાં જ મળી જવાનું છે. પ્રકૃતિનો આ ખેલ સનાતન છે, પણ જ્યારે પ્રકૃતિ રૌદ્ર રૂપ ધારણ કરશે ત્યારે કોઈ બચી નહીં શકે. પક્ષીની આ તસવીર આપણને એ જ વૈશ્વિક દર્શન કરાવી જાય છે કે આપણે પણ ઘણીવાર અરીસાના ભ્રમને જ વાસ્તવિકતા સમજી બેસીએ છીએ.

Related Posts